મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત
SHARE
મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત
માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે નર્મદાની કેનાલમાં સિંચાઈ માટે મુકેલા હોર્સ પાઇપમાં કચરો આવી ગયો હોય તેને સાફ કરવા માટે યુવાન ગયો હતો ત્યારે કેનાલના પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજયું હતું જયારે મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં નાહવા માટે પડેલ યુવાન પાણીમાં ડૂબી જતા તેનો મૃતદેહ મોરબીના મચ્છુ-2 ડેમ પાસેથી મળી આવ્યો હતો અને મોરબી નજીકના ટીંબડી ગામે રહેતા યુવાનને ઘરે હતો ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યો હોય તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું આ ત્રણેય બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે રહેતો દીપકભાઈ શાંતિલાલ ઉભડિયા (41) નામનો યુવાન જુના ઘાટીલા ગામ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં સિંચાઈ માટે ઈલેક્ટ્રીક દેડકો મૂક્યો હતો તેને હોર્સ પાઇપમાં કચરો આવી ગયો હતો તેને સાફ કરવા માટે ગયો હતો ત્યારે કોઈપણ કારણોસર યુવાન કેનાલના પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની જયેશભાઈ નાનજીભાઈ ઉભડિયા (52) રહે. હાલ મહેન્દ્રનગર વાળાએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ ઓરિસ્સાનો રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મેટ્રો સિરામિક વર્લ્ડ કારખાના લેબર કવાર્ટરમાં રહેતો હરેન્દ્રકુમારદાસ ભગવાનદાસ નામનો યુવાન લખધીરપુર રોડ ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલમાં પાણી ભરેલ હોય ત્યાં નાહવા માટે ગયો હતો અને ત્યાં કોઈપણ કારણોસર તે કેનાલમાં ડૂબી ગયો હતો અને કેનાલમાં વહેતા પાણીની સાથે તેનો મૃતદેહ મોરબી નજીક આવેલ મચ્છુ-2 ડેમ ખાતેથી મળી આવ્યો હતો જેથી હાલમાં મયુરભાઈ કેશવજીભાઈ બાવરવા રહે. મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી નજીકના ટીંબડી ગામે આવેલ શિવાય એન્ટરપ્રાઇઝ પેટ્રોલ પંપ પાસે રહેતા હસમુખભાઈ સવારામભાઈ રાજગોર (35) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતા ત્યારે તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેની સારવાર ચાલુ હતી દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે









