ટંકારાના હરીપર ગામે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન અને લોકજાગૃતિનો કાર્યક્રમ યોજાયો
મોરબીના લક્ષ્મણભાઈ દાફડાને યોગ્ય માર્ગદર્શન અને સોશિયલ મીડિયાના સેતુથી મળી રોજગારી
SHARE
મોરબીના લક્ષ્મણભાઈ દાફડાને યોગ્ય માર્ગદર્શન અને સોશિયલ મીડિયાના સેતુથી મળી રોજગારી
બદલાતા સમયમાં યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને સમયસર રોજગારી મળી રહે તે માટે સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા સતત સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રોજગાર કચેરી ખાતે યુવાનોને માત્ર નામનોંધણી કે માર્ગદર્શન જ નહીં, પરંતુ રોજગારવાંચ્છુ યુવાનોને તેમની લાયકાત મુજબ રોજગારી અપાવવા માટે સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપ જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ આધુનિક અને પારદર્શક અભિગમને કારણે મોરબીના વતની એવા લક્ષ્મણભાઈ દાફડાને રોજગારીની તક મળી છે. તેમણે શૈક્ષણિક અભ્યાસ તરીકે બીએસડબલ્યુ (BSW) ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ લાંબા સમયથી રોજગારીની શોધમાં હતા અને અનેક ખાનગી કંપનીઓમાં ઇન્ટરવ્યુ આપવા છતાં તેમને યોગ્ય નોકરી મળતી ન હતી, આવા સંઘર્ષના સમયે મોરબી જિલ્લા રોજગાર કચેરી દ્વારા સંચાલિત વોટ્સએપ ગ્રુપ તેમના માટે આશાનું કિરણ બનીને આવ્યું. આ ગ્રુપના માધ્યમથી તેમને મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત ચાઈલ્ડ હેલ્પ લાઇન - ૧૦૯૮ માં આઉટસોર્સિંગ પદ્ધતિથી કાઉન્સેલરની જગ્યા માટે ભરતી અંગેની સચોટ માહિતી મળી હતી. રોજગાર કચેરીના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી લક્ષ્મણભાઈએ ત્વરિત કચેરીનો સંપર્ક સાધ્યો અને યોગ્ય પ્રક્રિયા તેમજ ઇન્ટરવ્યુના માધ્યમથી ચાઈલ્ડ હેલ્પ લાઇન - ૧૦૯૮ માં કાઉન્સેલર તરીકે સફળતાપૂર્વક પસંદગી પામ્યા હતા. આ નોકરી મળ્યા બાદ તેમના જીવનમાં આવેલા આમૂલ પરિવર્તન વિશે વાત કરતા તેઓ અત્યંત ભાવુક થઈને જણાવે છે કે, “મને મારી લાયકાત મુજબની યોગ્ય રોજગારી મળી ગઈ છે, જેનાથી હું અત્યંત ખુશ છું. આ રોજગારીના માધ્યમથી હું મારા પરિવારને પણ નાણાકીય સહાય પૂરી પાડી શકું છું.” આ મુશ્કેલ સમયમાં સાચું માર્ગદર્શન અને અવસર પૂરો પાડવા બદલ તેમણે મોરબી જિલ્લા રોજગાર કચેરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.