સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ
SHARE
સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ
મોરબી જિલ્લાના લોકોને પણ ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ મળી રહે તે હેતુથી રાજકોટ એઇમ્સ (AIIMS) હોસ્પિટલના ડોક્ટરોને સાથે રાખીને મોરબીમાં આવેલ મયુર હોસ્પિટલમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ કેશરિદેવસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ બગથળા નકલંક મંદિરના મહંત સહિતના હાજર રહ્યા હતા અને મોરબીના આંગણે યોજાયેલ કેમ્પમાં નિષ્ણાત તબીબો દર્દીઓની સારવાર કરી રહ્યા છે ત્યારે વધુમાં વધુ લોકોને તેનો લાભ લેવા માટે આગેવાનોએ આહ્વાન કર્યું હતું.
આ કેમ્પ એલ.ઈ.કોલેજની બાજુમાં આવેલ મયુર હોસ્પિટલ ખાતે આજે સવારે 8 વાગ્યાથી રાજકોટ એઇમ્સ (AIIMS) હોસ્પિટલના ડોક્ટરોને સાથે રાખીને નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મોરબી રાજવી પરિવારના જાડેજા વિશાલ બાબા, બગથળા નકલંગ ધામના મહંત દામજી ભગત, મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી, આરએસએસ ના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી અરવિંદભાઈ વાસદડિયા મોરબીના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, કલેકટર સ્વપ્નિલ ખરે, ડીડીઓ વિદ્યાસાગર, કમિશનર સંગીતા રૈયાણી તથા એસપી મુકેશ પટેલ તથા એઈમ્સના ડિરેક્ટર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા
આ કેમ્પમાં ન્યુરોસર્જન, યુરોલોજી, નેફ્રોલોજી, કેન્સર, જનરલ સર્જન, પ્લાસ્ટિક સર્જન, ફેફસા, સ્ત્રીરોગ, બાળરોગ, ચામડી, કાન-નાક-ગળા, આંખ, જનરલ મેડિસિન, હાડકાં, દાંત, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી અને ડાયેટિશિયન સહિતના વિવિધ વિભાગોના નિષ્ણાત તબીબો આવ્યા છે અને મોરબી શહેર તથા જિલ્લામાંથી આવનારા તમામ દર્દીઓની તેઓ દ્વારા સારવાર કરવામાં આવશે તેમજ આ મેગા મેડિકલ કેમ્પમાં દર્દનું નિદાન કરાવવા માટે આવેલ દર્દીઓને ભવિષ્યમાં જરૂર હશે તો રાજકોટ ખાતે અહીના કેસના આધારે જ આગળની સારવાર અને માર્ગદર્શન તબીબો દ્વારા આપવામાં આવશે. આ કેમ્પનો વધુમાં વધુ દર્દીઓને લાભ મળે તેના માટે જુદીજુદી સામાજિક સંસ્થાઓના હોદેદારો તેમજ મોરબી મહાપાલિકાના ચેરમેનો અને કોર્પોરેટરો દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેથી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લેવા અને દર્દની સારવાર કરાવવા માટે મોટી સંખ્યામાં દર્દીઓ આવી ગયા છે અને હજુ પણ દર્દીઓ ધસારો જોવા મળી રહ્યો છે.