મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન
SHARE
મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન
મોરબી ઔદ્યોગિક નગરી તરીકે સુખ્યાત છે, સાથે સાથે કલા-સાહિત્ય ક્ષેત્રે પણ એટલી જ સમૃદ્ધ છે. આવા સાહિત્યકારોમાં સર્જક, વિવેચક, સંશોધક અને સંપાદક તરીકે ડૉ. ભાવેશ જેતપરિયાનું નામ સુવિદિત છે. તેઓએ 35 વર્ષ સુધી અધ્યાપક તરીકે ઉત્તમ સેવા આપી છે અને હાલ નિવૃત્તિ બાદ પણ સતત સાહિત્ય સર્જનમાં પ્રવૃત્ત છે.
મોરબીમાં રહેતા ડૉ. ભાવેશ જેતપરિયાએ રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ જીવા ભગતની હસ્તપ્રતોમાં રહેલા સંતસાહિત્ય પર સંશોધન કરી પીએચ.ડી.ની પદવી મેળવેલ છે, જે ગુજરાતી સંતસાહિત્યમાં બહુમૂલ્ય પ્રદાન છે. આ વર્ષે તેમના બાર ગ્રંથોનું પ્રકાશન થયું છે, તેમાં 'જીવાભગતનાં ભજનો' - ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત, જેનું વિમોચન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. 'રંગ છે લખનજી!' નવલકથા - પ્રવીણ પ્રકાશન, રાજકોટ દ્વારા પ્રકાશિત કરાયું છે. સંશોધન અને સંપાદનલક્ષી નવ ગ્રંથો વિજ્યા ગ્રાફિક્સ, સુરત દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે.
આમ, પ્રકાશિત ગ્રંથોમાં સંશોધન, સંપાદન, નવલકથા અને ચરિત્રનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ દ્વારા તેમના સંશોધન-સંપાદનના વધુ ચાર ગ્રંથો, ત્રણ વાર્તાસંગ્રહો અને કાવ્યાસ્વાદના બે ગ્રંથો આવનાર સમયમાં પ્રકાશિત થનાર છે, જે મોરબી જિલ્લાના સાહિત્યજગત માટે ગૌરવશાળી ઘટના છે. ડો. ભાવેશ જેતપરિયા અધ્યાપનની સાથે જાહેર કાર્યક્રમો, સત્સંગ-કથાઓમાં સભા સંચાલક તરીકે, દોઢ દાયકા સુધી ચૂંટણી તાલીમ અધિકારી તરીકે અને અનેકવિધ સામાજિક-શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. 35 વર્ષના અધ્યાપનકાળ દરમિયાન વિદ્યાર્થીઓના ઘડતર માટે તેમણે સતત પુરુષાર્થ કર્યો છે.