મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
SHARE
મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
મોરબી જિલ્લામાં ‘ગુજરાત નાણાંની ધીરધાર કરનારા અધિનિયમ, ૨૦૧૧ અને નિયમો, ૨૦૧૩ હેઠળ નોંધાયેલા શાહુકારો દ્વારા નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને સામાન્ય નાગરિકોનું શોષણ અટકે તે હેતુથી જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. અને તાજેતરમાં જિલ્લા રજિસ્ટ્રાર ડૉ. બિમલકુમાર એન. પટેલના માર્ગદર્શન હેઠળ કુલ ૫૪ શાહુકારોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
હાલમાં અધિકારી જણાવ્યુ છે કે, કાયદાની જોગવાઈ મુજબ તમામ લાયસન્સધારક શાહુકારોએ દર માસની ૧ થી ૫ તારીખ સુધીમાં લોનની વિગતો દર્શાવતું નિયત નમૂના નંબર-૧૧ નું પત્રક સરકારી ઓનલાઇન પોર્ટલ (ecooperative.gujarat.gov.in) પર ફરજિયાત સબમીટ કરવાનું હોય છે. આ ઉપરાંત જિલ્લા રજિસ્ટ્રાર કચેરી દ્વારા છેલ્લા ૩ વર્ષના નાણાકીય હિસાબો, ઓડિટ રિપોર્ટ તેમજ કુલ આવક-જાવકના વ્યવહારોની વિગતો મંગાવવામાં આવેલ છે. આ તપાસ દરમિયાન મોટાભાગના શાહુકારો દ્વારા પોર્ટલ પર સમયસર વિગતો અપલોડ ન કરવા, હિસાબોનું ઓડિટ ન કરાવવા જેવી બેદરકારી સામે આવતા કલમ-૨૧(૨)(ક)(૧) તથા કલમ-૪૩ હેઠળ દિન-૧૫ માં ખુલાસો કરવા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે
જો નિયત સમયમાં સંતોષકારક ખુલાસો શાહુકારો દ્વારા નહીં મળે તો લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા સહિતની કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે. વધુમાં ઓનલાઇન પોર્ટલ (ecooperative.gujarat.gov.in) પર હજુ સુધી ન નોંધાયેલ જુના લાયસન્સધારક શાહુકારોને તાત્કાલિક ઓનલાઇન અરજી કરવા સુચના આપવામાં આવી છે. અને જિલ્લામાં હાલ કુલ ૫૪ ધિરધારના લાયસન્સ કાર્યરત છે. તેમાં જો તાલુકાવાર લાયસન્સધારકોની સંખ્યા ઉપર નજર કરીએ તો સૌથી વધુ મોરબી તાલુકામાં ૩૪, વાંકાનેર તાલુકામાં ૧૨ અને હળવદમા તાલુકામાં ૮ શાહુકાર નોંધાયેલા છે. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા વધુમાં સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે જે શાહુકારોના ધંધાનું ટર્નઓવર શૂન્ય (NII) હોય તેમણે પણ નિયત સમયમર્યાદામાં 'નીલ પત્રક' કચેરીમાં અચૂક રજૂ કરવાનું રહેશે. સરકારી ધારાધોરણો અને નિયત વ્યાજદર કરતા વધુ વ્યાજ વસૂલતા કે ગેરકાયદે ધિરાણની પ્રવૃત્તિ આચરતા તત્વો સામે સામાન્ય જનતાના હિતમાં આગામી દિવસોમાં પણ કડક ઝુંબેશ ચાલુ રહેશે.