મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત
SHARE
મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત
મોરબી મહાપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને સરકાર દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામોને ધડાધડ મંજૂર કરવામાં આવી રહ્યા છે તેવામાં શનિવારે સાંજે રાજ્ય સરકારના મંત્રી તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા ની હાજરીમાં 106 કરોડથી વધુના વિકાસ કામોને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં ઔદ્યોગિક નગરી મોરબી રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી નમૂનેદાર મોરબી બનશે તેવી લાગણી સાંસદે વ્યક્ત કરી હતી.
મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યા બાદ મોરબીની કાયાપલટ માટે સરકારમાંથી ધરાધડ કરોડો રૂપિયાના વિકાસ કામો મંજૂર કરવામાં આવી રહ્યા છે દરમિયાન મોરબીમાં અગાઉ પાંચ જેટલા બ્રિજ આવેલા હતા અને વધુમાં સરકાર દ્વારા તાજેતરમાં એક છઠ્ઠો બ્રીજ મંજૂર કરવામાં આવ્યો છે તે બ્રિજના કામનું ખાતમુહૂર્ત સહિત કુલ મળીને 106 કરોડથી વધુના વિકાસકામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ શનિવારે મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે રાજયના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં યોજાયો હતો
ત્યારે રાજયના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે મોરબી મહાપાલિકા વિસ્તારમાં અગાઉ જે ગતિએ વિકાસ કામ કરતા હતા તેનાથી અનેક ગણી વધુ ગતિ સાથે હવે વિકાસના કામો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અહીંથી લોકોની જરૂરિયાત મુજબના જેટલા પણ વિકાસ કામોની સરકારમાં માંગણી કરવામાં આવશે તે તમામ વિકાસ કામો સરકારમાંથી મંજુર કરવામાં આવશે અને લોકોની સુખાકારીમાં આગામી સમયમાં વધારો થાય તેના માટેના સરકાર, સરકારી અધિકારીઓ અને તંત્ર દ્વારા કામ કરવામાં આવશે
આ તકે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે અગાઉ નગરપાલિકા હતી ત્યારે મોરબી નગરપાલિકાનું વાર્ષિક બજેટ 100 કરોડનું બનતું હતું જોકે મહાનગરપાલિકા બન્યાના પ્રથમ વર્ષે 700 કરોડથી વધુ અને બીજા જ વર્ષે 1100 કરોડથી વધુનું બજેટ બનાવવામાં આવ્યું છે અને અનેકવિધ વિકાસ કામોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે આગામી સમયમાં મોરબીની કાયાપલટ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાતા મોરબી શહેરને આગામી સમયમાં લોકો નમૂનેદાર મોરબી તરીકે ઓળખશે તેવો વિશ્વાસ અને લાગણી તેઓએ વ્યક્ત કરી હતી
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપના માજી મહામંત્રી કે.એસ. અમૃતિયા અને જેઠાભાઇ મિયાત્રા તેમજ ભાજપના આગેવાન જયંતીભાઈ પટેલ, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશિપભાઈ કૈલા, મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા અને ભુપતભાઈ જારીયા, ચંદુભાઈ હુંબલ, જયરાજસિંહ જાડેજા જ્યોતિસિંહ જાડેજા, કેતનભાઇ વિલપરા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.









