ટંકારા નજીક થયેલ આંગડિયા લૂંટના ગુનામાં વધુ એક આરોપીની રોકડા રૂપિયા બે લાખ સાથે ધરપકડ
SHARE









ટંકારા નજીક થયેલ આંગડિયા લૂંટના ગુનામાં વધુ એક આરોપીની રોકડા રૂપિયા બે લાખ સાથે ધરપકડ
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ટંકારા નજીક આવેલ હોટલ પાસે આંગડિયા પેઢીના સંચાલકને આંતરીને લૂંટવામાં આવ્યો હતો અને તે ગુનાની તપાસ દરમિયાન લૂંટારુઓ સાથે રહેલા વધુ એક આરોપીને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે અને તેની પાસેથી રોકડા 2 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે. અને આરોપીને હાલમાં રિમાન્ડ ઉપર લઈને વધુ પૂછપરછ ચાલી રહી છે
રાજકોટના રહેવાસી નિલેશભાઈ મનસુખભાઈ ભલોડીની 150 ફૂટ રીંગ રોડ ઉપર ટિટેનિયમ એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢી આવેલ છે અને તેના રોકડા રૂપિયા 90 લાખ કાર નંબર જીજે 3 એનકે 3502 માં લઈને તેઓ પોતાના ડ્રાઇવર સાથે ગત તા. 21/5/2025 ના રોજ મોરબી આવી રહ્યા હતા દરમ્યાન ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસેથી તેઓને લૂંટવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ટંકારા નજીક આવેલ ખજૂરા હોટલ પાસે જુદી જુદી બે ગાડીમાં આવેલા શખ્સો દ્વારા તેઓની કારને ટક્કર મારીને અકસ્માત કર્યા બાદ રોકડા રૂપિયા 90 લાખ ભરેલ થેલો લઈને આરોપીઓ નાસી છૂટ્યા હતા
જે ગુનામાં ટંકારાના પીઆઇ કે.એમ.છાસિયા અને તેની ટીમે આરોપી નિકુલ કાનાભાઈ અલગોતર (29) રહે. ભાવનગર વાળાની ધરપકડ કરેલ છે અને હાલમાં પકડાયેલા આરોપી પાસેથી 2 લાખની રોકડા રિકવર કરી છે અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી કરીને પોલીસ તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે આ લૂંટ કેસની માહિતી આપવા માટે ડીવાયએસપી સમીર સારડાની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, જે સમયે લૂંટની ફરિયાદ નોંધાવી હતી ત્યારે જ 90 લાખ પૈકીના 72 લાખ રૂપિયાની રોકડા પોલીસે આરોપી અભીભાઈ અલગોતર અને અભિજીતભાઈ ભાર્ગવ નામના બે આરોપી પાસેથી કબજે કરી હતી અને બંને આરોપીને પકડ્યા હતા.
ત્યારબાદ આ ગુનામાં ક્રમશઃ માસ્ટરમાઈડ દિગ્વિજય અમરશીભાઈ ઢેઢી રહે. ટંકારા, હિતેશભાઈ પાંચાભાઇ ચાવડા રહે. ભાવનગર, મેહુલભાઈ ધીરુભાઈ બલદાણીયા ઉર્ફે કાનો આહીર રહે. સુરત વાળાને પકડવામાં આવ્યા હતા જે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને હાલમાં પકડાયેલ આરોપી લૂંટારુઓ સાથે પહેલેથી જ સંડોવાયેલ હતો અને તે દ્વારકા દર્શન કરવા માટે જઈ રહ્યો છે તેવી ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચ રાખીને આરોપી નિકુલ અલગોતરને ઝડપી લીધો હતો.
મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં સનસનાટી મચાવી દેનાર રોકડા રૂપિયા 90 લાખની આંગડિયા લૂંટના ગુનામાં એક પછી એક આરોપી પકડવામાં આવી રહ્યા છે. તેવામાં વધુ એક આરોપીને પકડીને હાલમાં ટંકારા પોલીસ દ્વારા રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે. જોકે હજુ બે આરોપીને પકડવાના બાકી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે

