મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં
SHARE
મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં
મોરબી શહેર અને જિલ્લામાં અકસ્માતોની વણઝાર સર્જાઇ છે. જેમાં વધુ એક અકસ્માત બનાવનો ઉમેરો થયો છે.જે બનાવમાં મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થયુ હતું.આ બનાવમાં બાઈક ચલાવતા યુવાનનું મોત નિપજયુ હતું અને પાછળ બેઠેલા યુવાનને ઈજા થયેલ હોય સારવારમાં ખસેડાયો હતો
મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા દિવસોમાં અનેક અકસ્માત બનાવ બન્યા છે.જેમાં દંપતી અને બાળક સહિત જતા બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા પિતા-પુત્રના મોત નીપજ્યા હતા.જ્યારે નવલખી રોડ ઉપર બાઈક અને રીક્ષા અથડાતા રીક્ષા ચાલક અને બાઇકમાં સવાર બે યુવાનો એમ કુલ ત્રણ યુવાનોના મોત નિપજયા હતા.આગલા દિવસે માળિયા મીંયાણાના આમરણ પાસે બાઈક અકસ્માતમાં સલાયાના બે યુવાનોના મોત નિપજયા હતા.થોડા દિવસો પહેલા જેતપર-પીપળી રોડ ઉપર રોડ ક્રોસ કરતી મહિલાને વાહન ચાલકે હડફેટે લઈ મોત નિપજાવ્યુ હતું. તેમજ ટંકારા નજીક પણ છેલ્લા એક સપ્તાહમાં બે થી વધુ લોકોના અકસ્માત બનાવોમાં મોત થયેલા છે.આ જ રીતે હળવદ અને વાંકાનેરમાં પણ અકસ્માત બનાવો નોંધાયા છે.જેમાં મહામૂલી માનવ જિંદગીઓ મોતના ખપ્પરમાં હોમાઈ ગઈ છે.જેથી જીલ્લા હાઇવે અને સ્થાનીક ટ્રાફિક વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે.તેમજ ભારે વાહનોની ગતિ નિયંત્રિત કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
આવો જ એક બનાવ મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર વોટેરોના શો-રૂમની સામે બન્યો હતો.જેમાં ડબલ સવારીમાં બાઈકમાં જઈ રહેલ બે યુવાનોનું બાઈક સ્લીપ થયું હતું આ અકસ્માત બનાવમાં બાઈક ચલાવી રહેલા ગોપાલભાઇ પીતાંબરભાઈ લોદરીયા કોળી (૩૨) રહે.ઉમિયાનગર મોરબી નું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.જ્યારે બાઇકની પાછળ બેઠેલા ઉમેશભાઇ જગમાલભાઈ અદગામા કોળી નામના ૪૫ વર્ષના યુવાનને સારવાર માટે ખસેડાયો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના અરજણભાઈ ગરિયા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.
મારામારી
મોરબીના ઘુંટુ ગામ પાસે ઉમા રેસીડેન્સી શ્યામ પાર્ક વિસ્તારમાં રહેતા કૃપાબેન હાર્દિકભાઈ પનારા (કૃપાબેન રમેશભાઈ શેરસીયા, ઉમર ૨૯) ને ઘરે પતિ દ્વારા લોખંડના પાઇપ વડે માર મારવામાં આવતા ઇજા પામેલ કૃપાબેનને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સત્યમ કાંટા પાસેના ગુડવિલ સીરામીકના લેબર કવાટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કિશનભાઇ મધુભાઈ કાવઠીયા (૨૫) અને ટીશાબેન કિશનભાઇ કવિઠીયા (૨૦) નામના દંપતીને મારામારીમાં ઈજા થઈ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેથી તાલુકા પોલીસ મથકના લાલભા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.જ્યારે રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત બનાવ બનતા શંકરભાઈ ભગાભાઈ એરવાડીયા (૩૨) રહે.રાતા વીરડા તા.વાંકાનેર ને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.