મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં
વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન
SHARE
વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન
મોરબી મહાપાલિકામાં સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં એજન્ટા તો માત્ર નામકરણ પૂરતા જ હતા પરંતુ કોર્પોરેટરો દ્વારા બંધ સ્ટ્રીટ લાઇટો, અટકેલા વિકાસ કામ, રોડ રસ્તા સહિતના પ્રશ્નોનો મારો ચલાવવામાં આવ્યો હતો જેથી મહાપાલિકાની આ બેઠકમાં શાસકોના જ કામ ન થતા હોવાથી વિપક્ષની ભૂમિકામાં આવી ગયા હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો. જોકે, ચાલુ બેઠકમા કમિશનર પ્રશ્નો સોલ્વ કરવાના બદલે મેયરને ખખડાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા જેથી કોર્પોરેટરોમાં પણ આ બાબતને લઈને ગણગણાટ થવા લાગ્યો હતો.
મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમ સુરાણીના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં મહાપાલિકાના તમામ કોર્પોરેટરો તથા કમિશનર સંગીતા રૈયાણી અને ડેપ્યુટી કમિશનર બ્રિજેશ કાલરીયા તથા સંજય સોની તેમજ તમામ શાખા અધ્યક્ષો હાજર રહ્યા હતા આ બેઠકમાં એજન્ડા તો માત્ર નામ પૂરતા હતા એટલે કે નામકરણ માટેના જ હતા જેમાં મોરબીના હાઉસિંગ બોર્ડના મુખ્ય રસ્તાને સ્વ. પરબતભાઈ રબારી માર્ગ તેમજ લીલાપર ચોકડીને રણછોડદાસ પગી નામ આપવાના એજન્ડાને સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ છે.
મોરબી વોર્ડ નં-4 ના કોર્પોરેટર ભુપતભાઈ જારીયા દ્વારા મહાપાલીકાના હસ્તકની બિલ્ડીંગોમાં સીસીટીવી કેમેરા છે કે કેમ વાહનોમાં જીપીએસ સિસ્ટમ છે કે કેમ તે સહિતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં સીસીટીવી કેમેરા તમામ બિલ્ડીંગોમાં નથી અને જીપીએસ સિસ્ટમ તમામ વાહનોમાં નથી તેવી માહિતી સામે આવી હતી આ ઉપરાંત હાલમાં નવરાત્રી ચાલી રહી છે અને આગામી દિવસોમાં દિવાળી આવી રહી છે ત્યારે સ્ટ્રીટ લાઈટો શહેરમાં ચાલુ હોય તે જરૂરી છે તેમ છતાં પણ કોર્પોરેટરો અવારનવાર રોશની શાખાના કર્મચારીઓને કહે તો પણ તેઓના વિસ્તારમાં બંધ પડેલી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવતી નથી જેથી મહિલા કોર્પોરેટર દ્વારા સ્ટ્રીટ લાઈટો બંધ હોય તો તેને ચાલુ કેમ કરવામાં આવતી નથી ?, વારંવાર મેયર દ્વારા સૂચના દેવામાં આવે તેમ છતાં પણ સ્ટાફ કામ કેમ કરતા નથી ? આવા અણીદાર સવાલો કરવામાં આવ્યા હતા
આ ઉપરાંત મોરબીમાં એસપી રોડથી આલાપ રોડને જોડતો આઇકોનિક રોડ બનાવવાનું કામ છ મહિનાથી મંજૂર કરવામાં આવ્યું છે તેમ છતાં પણ હજુ સુધી ત્યાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નથી ! જેથી આ રોડનું કામ વહેલી તકે કરવામાં આવે તેવી પણ રજૂઆત કોર્પોરેટર રીસીપભાઈ કૈલા દ્વારા કરવામાં આવી હતી આમ સામાન્ય સભાની બેઠકમાં જે રીતે રોડ રસ્તા લાઈટ પાણીના પ્રશ્નો ચૂંટાયેલી બોડીના જ કોર્પોરેટરો દ્વારા રજૂ કરવામાં આવ્યા તે જોતાં મોરબી મહાપાલિકામાં વિપક્ષની ખોટ ન વર્તાય તેવો ઘાટ બેઠકમાં જોવા મળ્યો હતો
મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમ સુરાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે રોશની વિભાગને લગતા જેટલા પણ પ્રશ્નો છે તે વહેલી તકે ઉકેલાય તેના માટે જવાબદાર અધિકારીને સુચના આપી દેવામાં આવી છે અને વિકાસ કામો જે ચોમાસાના કારણે અટકેલા હતા તે વહેલી તકે શરૂ કરવામાં આવે તેના માટે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે દરમિયાન છેલ્લા દિવસોમાં જે બિલ કૌભાંડ સામે આવ્યું છે તેને લઈને મેયરે કહ્યું હતું કે, જે કોઈ જવાબદાર અધિકારી કે કચરી હશે તેને સસ્પેન્ડ કરીશું પરંતુ અત્યારે ઉલ્લેખનીય છે કે, જે કર્મચારી આ કૌભાંડમાં સંડવેલ હોવાની ચર્ચા ચાલી રહી છે તેનું તો અગાઉ જ મહાપાલિકામાંથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે તો હવે બિલ કૌભાંડમાં મહાપાલિકાના પદાધિકારી અને અધિકારી કોને સસ્પેન્ડ કરશે. જો ખરેખર દાખલો બેસાડવાની દાનત હોય તો બિલ કૌભાંડમાં ફોજદારી ગુનો દાખલ કરાવવો જોઈએ તો જ ભવિષ્યમાં આવા બિલ કાંડ કરતા કાયમી કે રોજમદાર કર્મચારીઓ સો ટકા વિચાર કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી