મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી
SHARE
મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી
મોરબી જિલ્લાના પૌરાણિક જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા રવિવાર અને સોમવારને અનુલક્ષીને તા. ૨૨ થી ૨૪ સુધી (કુલ ૩ દિવસ) લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી લજાઈ ચોકડીથી વાંકાનેર જતા સ્ટેટ હાઈવે પર જી.આઈ.ડી.સી. આવેલ હોવાથી ભારે વાહનોની વધુ અવરજવરના કારણે મેળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા તા. ૨૨ ના રોજ સવારે ૭:૦૦ વાગ્યાથી તા. ૨૪ ના રાત્રે ૨૪:૦૦ વાગ્યા સુધી જાહેરનામું બહાર પાડી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ જાહેરનામા અનુસાર લજાઈ ચોકડી મોરબી રવાપર ગામ (ઘુનડા-સજનપર થઈને) તેમજ ટંકારા ખીજડીયા ચોકડી તરફથી રાતીદેવડી અને વાંકાનેર શહેર તરફ જતા ભારે વાહનોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. આ રૂટના વૈકલ્પિક રસ્તા તરીકે લજાઈ ચોકડી તરફથી જતા ભારે વાહનો માટે મિતાણા ચોકડીથી વાલાસણ, પીપળીયા રાજ અને અમરસર થઈને વાંકાનેર તરફ જવાનો માર્ગ નિર્ધારિત કરાયો છે. તેવી જ રીતે વાંકાનેરથી લજાઈ તરફ જતા ભારે વાહનો પણ અમરસર, પીપળીયા રાજ, વાલાસણ, મિતાણા ચોકડી અને ટંકારા થઈને લજાઈ તરફ જઈ શકશે. આ જાહેરનામામાંથી એસ.ટી. બસો, સરકારી વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, શાળા-કોલેજના વાહનો, દૂધ-શાકભાજી જેવી આવશ્યક સેવાઓ તથા સામાજિક-ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલા વાહનોને મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.