મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો કરવાના ગુનામાં વધુ 3 આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં નજીવી વાતમાં વેપારી અને તેના ભાઈ ઉપર હુમલો કરવાના ગુનામાં વધુ 3 આરોપીની ધરપકડ
મોરબીમાં યુવાનના શોરૂમ પાસે ટ્રક ઉભો હતો જેને દૂર કરવા માટે યુવાન તથા તેના ભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરીને ધમકી આપવામાં આવી હતી ત્યારબાદ અન્ય લોકોને બોલાવવામાં આવતા પાંચ શખ્સો ત્યાં આવ્યા હતા અને તે પૈકીનાં એક આરોપી પોતાની ફોર્ચ્યુનર કારમાંથી ધોકો કાઢીને યુવાનને માર મારવાની કોશિશ કરી હતી તેમજ તેની મિલકતમાં ઘૂસીને ત્યાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું હતું તેમજ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને યુવાન તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને યુવાનનું અપહરણ કરી જવાની ધમકી આપીને ડીવીઆર પોતાની સાથે લઈ ગયેલ હતા જે ગુનામાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે
મોરબીમાં કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ધ્રુવ હોસ્પિટલ સામે સતનામ હાઈટ્સ બ્લોક નંબર 601 માં રહેતા ઉમેશભાઈ ત્રિભોવનભાઈ મેરજા (36)એ થોડા સમય પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રણજીતભાઈ જેસીંગભાઇ ચાવડા, દિનેશભાઈ ગગુભાઈ મકવાણા અને અજાણ્યા ચાર ઈસમોની સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, કંડલા બાયપાસ રોડ ઉપર દેશી ડાયરો હોટલ પાસે ઉમા સ્ટીલ ફર્નિચર ફરિયાદીના શોરૂમ નજીક ટ્રક ઉભો હતો તેને દૂર કરવા માટે થઈને રણજીતભાઈ ચાવડાએ ફરિયાદી તથા સાહેદ સાથે ઝઘડો કર્યો હતો અને ફરિયાદી તથા સાહેદ ચિરાગભાઈ સાથે મારામારી કરીને ધાકધમકી આપી હતી ત્યારબાદ દિનેશભાઈ મકવાણા અને અન્ય આરોપીઓને બોલાવતા તેઓ ત્યાં આવ્યા હતા અને દિનેશભાઈ પોતાની ફોર્ચ્યુનલ ગાડીમાંથી ધોકો લઈને આવ્યા હતા અને ફરિયાદીને માર મારવાની કોશિશ કરી હતી ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીની માલિકીની મિલકતમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને આરોપી રણજીતભાઈએ ફરિયાદીની દુકાનમાં રહેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખીને નુકસાન કર્યું હતું અને લૂંટ ચલાવી પોતાની પાસે રહેલ ગ્રે કલરની નાની પિસ્તોલ જેવું હથિયાર ફરિયાદીને બતાવીને ફરિયાદી તથા તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને દિનેશભાઈએ ફરિયાદીને ગાળો આપીને અપહરણ કરી લઈ જવાની ધમકી આપી હતી તેમજ આરોપીઓ ફરિયાદીનું ડીવીઆર બળજબરીપૂર્વક પોતાની સાથે લઈ ગયા હતા જેથી યુવાને એ ડિવિઝનમાં ફરિયાદ કરી હતી જે ગુનામાં અગાઉ બે સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને હાલમાં પીએસઆઇ એન.આર. વાણીયા અને તેની ટીમ દ્વારા આરોપી ધીરજ ઉર્ફે હકુ ગગુભાઈ મકવાણા (41) રહે. જીઆઇડીસી પાસે સનાળા રોડ મોરબી, પીન્ટુભાઇ ભુપતભાઈ કાથરાણી (28) રહે. વૃંદાવન પાર્ક સામાકાંઠે મોરબી અને અનિલ જેસંગભાઈ ચાવડા (30) રહે. કેરાળી મોરબી વાળાને પકડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.