મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે
SHARE
મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે
મોરબી પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) દ્વારા વાહન માલિકો માટે મેન્યુઅલ હરાજી પ્રક્રિયાને બદલે વધુ સરળ, નિષ્પક્ષ, પારદર્શક અને ઝડપી ઓનલાઇન ઓક્શન પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. આ વ્યવસ્થા અંતર્ગત મોરબી RTO ખાતે ટુ-વ્હીલર વાહનોની જૂની સિરીઝના GJ36BC, BA, AS, AQ, AN, AM), ફોર-વ્હીલર વાહનોની જૂની સિરીઝના GJ36BB, AR, AL, AP, AJ તેમજ ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનોની જૂની સિરીઝના GJ36V, GJ36X ના બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર કેટેગરીના મનપસંદ નંબરો મેળવવા માટે ઓનલાઈન હરાજી પ્રક્રિયા હાથ ધરાનાર છે.
મોરબીમાં પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ આગામી તા. ૧૧/૦૬/૨૦૨૬ થી તા. ૧૩/૦૬/૨૦૨૬ સુધીમાં પાયાની રકમ (બેઝિક ફી) ઓનલાઇન ભરીને અરજી કરવાની રહેશે. ત્યારબાદ તા. ૧૩/૦૬/૨૦૨૬ થી તા. ૧૫/૦૬/૨૦૨૬ દરમિયાન વાહન માલિકો ઓનલાઇન બિડિંગ (હરાજી) પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. આ ઓનલાઇન હરાજીમાં ભાગ લેવા માટે અરજદારોએ સૌપ્રથમ પરિવહન વિભાગના સત્તાવાર પોર્ટલ http://parivahan.gov.in/fancy/ પર જઈને પબ્લિક યુઝર તરીકે નોંધણી કરાવવાની રહેશે. નોંધણી દરમિયાન મેળવેલા યુઝર આઈ-ડી અને પાસવર્ડથી લોગીન કર્યા બાદ ચોઈસ નંબર એપ્લિકેશન (CNA) ફોર્મ ભરવાનું રહેશે. આ CNA ફોર્મ વાહન ખરીદી અથવા વીમાની તારીખ (બેમાંથી જે વહેલું હોય તે) ના સાત દિવસની અંદર અને વાહનનો ટેક્સ RTO કચેરીએ ભરપાઈ કર્યા બાદ ફરજિયાત ભરવાનું રહેશે, અન્યથા અરજદારો હરાજીમાં ભાગ લઈ શકશે નહીં.
ઓનલાઇન બિડિંગ દરમિયાન જો રકમમાં રૂ. ૧,૦૦૦ ના ગુણાંકમાં વધારો કરવામાં આવ્યો હશે, તો સફળ અરજદારે હરાજી પૂર્ણ થયાના પાંચ દિવસમાં તફાવતની રકમ ઓનલાઇન જ ભરવાની રહેશે; જેમાં અસફળ રહેનારને ડિસ-ક્વોલિફાય કરવામાં આવશે. હરાજીમાં અસફળ રહેલા અરજદારોની મૂળ રકમ ૫ થી ૭ દિવસમાં ઓનલાઇન તેમના ખાતામાં જમા થઈ જશે. જ્યારે સફળ ઉમેદવારોએ નાણાં ભર્યાની પહોંચ અને એલોટમેન્ટ પત્ર મેળવીને જરૂરી દસ્તાવેજો સાથે RTO કચેરીએ અચૂક જમા કરાવવાના રહેશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.