મોરબીમાં હરસની બીમારીથી કંટાળીને વૃદ્ધે જીવતર ટૂંકાવ્યુ
SHARE
મોરબીમાં હરસની બીમારીથી કંટાળીને વૃદ્ધે ગળેફાંસો ખાઇને જીવતર ટૂંકાવ્યુ
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ ક્રાંતિજયોત પાર્કમાં રહેતા અને મૂળ વાંકાનેરના લુણસર ગામના વૃદ્ધે તેઓના એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેમનું મોત નીપજેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ પાસેથી મળતી માહિતી પ્રમાણે, મૂળ વાંકાનેરના લુણસર ગામના વતની અને હાલ છેલ્લા કેટલાક સમયથી મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલ ક્રાંતિ જ્યોત પાર્ક વિસ્તારમાં બ્લોક નંબર બી-૪ માં એપાર્ટમેન્ટમાં રહેતા ખોડીદાસભાઈ ધનજીભાઈ થોરીયાણી પટેલ (ઉમર ૭૪) એ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આજે તા.૧૨-૧૨ ના રાત્રિના બે વાગ્યાના અરસામાં પંખામાં ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેઓનું મોત નિપજતા ડેડબોડીને પીએમ માટે અત્રે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.અને બનાવ સંદર્ભે હોસ્પિટલમાંથી પોલીસને જાણ કરવામાં આવતા સ્ટાફના મોમજીભાઈ ચૌહાણ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.જેમાં પારિવારિક પૂછપરછ કરવામાં આવતા સામે આવ્યુ હતુ કે મૃતક ખોડીદાસભાઈ ધોરિયાણીને છેલ્લા કેટલાક સમયથી હરસની બીમારી હતી અને બે મહિના પહેલા હરસ બાબતે ઓપરેશન પણ કરાવ્યું હતું.છતાં પણ અસહ્ય દુખાવો રહેતો હોય તેની પીડાથી કંટાળી જઈને તેઓએ આ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે.
વાહન અકસ્માત
મોરબીના સામાકાંઠે આવેલ પોટરીના ગ્રાઉન્ડ પાસે એકટીવા પલ્ટી મારી ગયું હતું.જેમાં દિનેશભાઈ નાનજીભાઈ મજેઠીયા (૪૪) રહે.જારીયા પાન વાળી શેરી સોઓરડીને સારવાર માટે ખસેડાયો હતો.તે રીતે જ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસેના કાંતિનગર વિસ્તારમાં રહેતા એમ.ડી.જમીલ મકસુદ નામના ૩૭ વર્ષના યુવાનને બે અજાણ્યા ઈસમો દ્વારા હેલ્મેટ વડે માર મારવામાં આવ્યો હોય તેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તેમજ હળવદના પાંડાતીરથ ગામેથી કડિયાણા તરફ જતા રસ્તે કેનાલ નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં જયંતિલાલ સુખરામભાઈ ગામર રહે.વાડી વિસ્તાર કડિયાણા તા.હળવદને ડાબા પગના અંગૂઠાનું હાડકુ ભાંગી ગયેલ હોય સારવાર માટે શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના વાંકાનેર હાઇવે જુના જાંબુડીયા ગામે પંચાયત ઓફિસ નજીક બ્રિજની નીચેના ભાગે બાઇક ખૂંટ્યા સાથે અથડાતા થયેલા અકસ્માતમાં રવજીભાઈ મનુભાઈ ઝાલા (૩૫) રહે.મફતપરા વિસ્તાર રફાળેશ્વરને અત્રે ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હોય પોલીસને જાણ કરવામાં આવી હતી.જેને પગલે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામના પાટીયા પાસે વાહન અકસ્માત બનાવમાં ગોકળભાઈ બાબુભાઈ ગળચર (૪૩) રહે. સોખડા તા.મોરબીને ઈજા થઈ હોય તેમને પણ સારવાર માટે ખસેડાયા હતા જેથી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
મહિલા સારવારમાં
મોરબીના લાતીપ્લોટ શેરી નંબર-૧૩ માં રહેતા સલમાબેન હનીફભાઈ શેખ નામના ૪૦ વર્ષના મહિલા બાઇક પાછળ બેસીને જતા હતા ત્યારે વાવડી રોડ ખાતે તેઓનું બાઈક સ્લીપ થયેલ હોય ઇજા પામતા તેમને અત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના આમરણ ગામે ડાયમંડનગર વિસ્તારમાં રહેતા પુષ્પાબેન વલમજીભાઈ અંબાણી નામના ૪૦ વર્ષીય મહિલા બપોરના બે વાગ્યાના અરસામાં રાજપર રોડ ઉપર બાયપાસ થઈને જઈ રહ્યા હતા ત્યારે ત્યાં નિગમના ગોડાઉન નજીક તેમના બાઇકને કોઈ ટ્રક ચાલકે હડફેટે લેતા પુષ્પાબેન ઈજા પામ્યા હોય તેમને આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબી તાલુકાના બગથળા ગામે બાઈક ગાયની સાથે અથડાતા થયેલ અકસ્માતમાં વિક્રમભાઈ ભીખાજી ઠાકોર (૧૮) રહે.દિયોદર મહેસાણાને ઇજા થઈ હોય તેને પણ સારવાર માટે દવાખાને ખસેડાયો હતો