જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ
SHARE
જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ
મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપની જે વીજ પોલ ઊભા કરી રહી છે તેની સામે પૂરતું વળતર આપતી નથી જેથી કરીને આમરણાંત ઉપવાસ આંદોલન આજથી શરૂ કરવામાં આવ્યું છે અને ગામના ત્રણ ખેડૂતો તથા એક સંત દ્વારા હાલમાં ખેડૂતોને ન્યાય મળે તેના માટે થઈને આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે અને ગાંધીજી ચિંધ્યા માર્ગે ખેડૂતો દ્વારા આંદોલન કરીને વીજ કંપની પાસેથી વળતર માંગવામાં આવી રહ્યું છે તેને ધ્યાને લઈને જો યોગ્ય વળતર નહીં આપવામાં આવે તો આગામી સમયમાં સરદારના માર્ગે જતા પણ ખેડૂતો અટકાશે નહીં તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
મોરબી તાલુકાના જેતપર ગામે જે ખાનગી વીજ કંપની દ્વારા હાલમાં વીજ પોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેના દ્વારા ખેડૂતોને વળતર ચુકવવામાં આવ્યું નથી અને તેઓના ખેતરની અંદર ઘૂસીને વીજ પોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતો વિરોધ કરતા હોય તો પોલીસને આગળ કરીને ખેડૂતોને અટકાવવામાં આવતા હોય છે જેથી કરીને ખેડૂતો દ્વારા થોડા દિવસો પહેલા જેતપર થી લઈને મોરબી કલેક્ટર કચેરી સુધીની ટ્રેક્ટર રેલી યોજાઈ હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમ છતાં પણ તે લોકોનો પ્રશ્ન ઉકેલાયો નથી જેથી કરીને ખેડૂતો દ્વારા છેલ્લા એક સપ્તાહથી જેતપર ગામમાં પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે તો પણ તેઓનો અવાજ સાંભળીને તેઓને પૂરતું વળતર મળે તેવા કોઈ પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવતા નથી.
આજે જેતપર ગામમાં આવેલ રામજી મંદિરથી લઈને ઉપવાસી છાવણી સુધીની સંતો મહંતોની સાથે રાખીને ખેડૂતોની એક રેલી યોજાઇ હતી ત્યારે ગામના માર્ગો જય જવાન જય કિસાન તથા ગામની "જમીન ગામની, નથી કોઈના બાપની" ના સૂત્રોચારથી ગામના માર્ગો ગુંજી ઉઠ્યા હતા અને આજે પ્રથમ દિવસથી ગામમાં આવેલ મંદિરના મહંત તેમજ ત્રણ ખેડૂત આમ કુલ ચાર વ્યક્તિઓ દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને તે લોકોની એક જ માંગ છે કે જે ટેલિગ્રાફ એક્ટ હેઠળ તે લોકોને નોટિસો આપવામાં આવી રહી છે તે જ ટેલિગ્રાફ એક્ટ હેઠળ કાયદા મુજબ તે લોકોને વળતર આપવામાં આવે અને પહેલા વળતર આપવામાં આવે ત્યાર પછી તે લોકોના ખેતરની અંદર કામ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તેની સાથોસાથ જે કંપની દ્વારા અત્યારે વીજપોલ ઊભા કરવામાં આવે છે તેના દ્વારા અન્ય જગ્યાએ જે રીતે ભાડા ઉઘરાવવામાં આવતા હોય છે અથવા તો આપવામાં આવતા હોય છે તેવી જ રીતે ખેડૂતોની જમીનનો ઉપયોગ થાય છે જેથી કરીને ખેડૂતોને પણ માસિક ભાડું ચૂકવવામાં આવે તેવી પણ માંગે ખેડૂતોએ કરી છે.
આ તકે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ ત્યાં હાજર રહ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે આ ગામના દીકરા અને ખેડૂતો તરીકે હું ગામના ખેડૂતોની સાથે છું અને ખેડૂતોની વ્યાજબી માંગણીને તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવતી નથી અને કંપની દ્વારા વળતર આપવામાં આવતું નથી જેથી કરીને ખેડૂતો જે હાલમાં ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે તેઓને પૂરતું વળતર નહીં આપવામાં આવે તો આગામી સમયમાં સરદારના માર્ગે ખેડૂતો આગળ વધશે તેવી ચીમકી ઉતારી હતી વધુમાં તેમણે કહ્યું હતું કે તેમના ભાઈ કાંતિભાઈ અમૃતિયા દ્વારા પણ ખેડૂતોને પૂરતું અને યોગ્ય વળતર મળે તેના માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તેમાં સફળતા હજુ સુધી મળી નથી જેથી કરીને ગામના ખેડૂતો દ્વારા આજથી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં ખેડૂતો દ્વારા પૂરતા વળતર માટે જે પ્રકારની લડાઈ કરવામાં આવશે તેમાં તેઓ તેમની સાથે રહેશે અંતમાં તેઓએ કહ્યું હતું કે આ લડાઈ સરકાર સામે નથી કારણ કે વળતર ખાનગી કંપનીએ ચૂકવવાનું છે માટે ખાનગી કંપની સામે ખેડૂતોની લડાઈ છે અને તેમાં ખેડૂતોની જીત નિશ્ચિત છે.









