મોરબીમાં અસહાય વૃધ્ધ મહિલાને વૃધ્ધાશ્રમ ખાતે પહોંચાડતી સી-ટીમ
ખાનગી વીજ કંપની પોલ ઊભા કરતાં પહેલા વળતર આપે: ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની આગેવાનીમાં મોરબીના જેતપર ગામે યોજાયેલ સભામાં ખેડૂતોની એક જ માંગ
SHARE
ખાનગી વીજ કંપની પોલ ઊભા કરતાં પહેલા વળતર આપે: ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની આગેવાનીમાં મોરબીના જેતપર ગામે યોજાયેલ સભામાં ખેડૂતોની એક જ માંગ
મોરબીના જેતપર ગામે આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિતમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને ખાનગી કંપનીઓની વીજ લાઈન પસાર થતી હોવાથી ખેડૂતોના ખેતરની અંદર વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર જ કામ કરવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં ગઇકાલે સભા યોજાઈ હતી અને આગામી 15 તારીખે ગાંધીનગર ખાતે ટ્રેક્ટર રેલી યોજવાની છે તેમાં મોટી સંખ્યામાં ખેડૂતોને હાજર રહેવા માટે થઈને આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવી હતી
મોરબી જિલ્લામાં હાલમાં ખાનગી કંપનીની વીજ લઈનો પસાર થઈ રહી છે અને તે વીજ લાઈનો માટે વીજ પોલ ઉભા કરવાની કામગીરી ચાલી રહી છે જોકે, જે ખેડૂતોના ખેતરની અંદર વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે પરંતુ હજુ સુધીમાં વળતર ચૂકવવામાં આવ્યો નથી અથવા તો પૂરતા પ્રમાણમાં વળતર ચૂકવવામાં આવ્યું નથી જેથી હાલમાં ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને બે દિવસ પહેલા મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા વળતર ચૂકવ્યા વગર વીજપોલ ઉભો કરવા માટેની કામગીરી કરવા માટે કંપનીના માણસો આવ્યા હતા તેને કામ કરવા દેવામાં આવ્યું ન હતું અને ત્યારે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું
ત્યારબાદ ગઇકાલે જેતપર ગામે રામજી મંદિરના ચોકમાં ખેડૂતો દ્વારા ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ તથા ગુજરાત કિસાન કોંગ્રેસની આગેવાની હેઠળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોને વીજપોલ અને વીજ વાયર પસાર થતા હોય તે કોરિડોર માટે પહેલા વળતર આપવામાં આવ્યા પછી કામ શરૂ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો વતી જેતપરના ખેડૂત આગેવાન મેહુલભાઈ અમૃતિયાએ કરી છે એટલુ જ નહીં પૂરતા પ્રમાણમાં વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના કન્વીનર પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું કે, સરકાર સમક્ષ વીજ પોલ અને કોરિડોરના વળતર બાબતે ત્રણ માંગણી મૂકવામાં આવશે જેમાં ખાસ કરીને જંત્રીદારના ચાર ગણા અથવા દર મહિને પોલનું 30 હજાર રૂપિયા પ્રતિપોલનું ભાડું અથવા વન ટાઈમ સેટલમેન્ટ માટે ખેડૂતોને બે કરોડ રૂપિયા પ્રતિપોલે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આગામી તારીખ 15 ના રોજ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા અમદાવાદ ખાતે થી ગાંધીનગર સુધીની એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જેતપર સહિત સમગ્ર મોરબી જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાય તેવી અપીલ પણ કરી હતી.
આ તકે ગુજરાત કિશન સંઘર્ષ સમિતિના મહેશભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી, માળીયા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ સંદીપભાઈ કાલરીયા, કે.ડી. પડસુંબિયા, મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસનાં સભ્ય સતિષભાઈ મેરજા, મોરબી તાલુકા પંચાયતના સભ્ય અલ્પેશભાઇ કોઠીયા, કોંગ્રેસના આગેવાન મહેન્દ્રભાઈ ચીખલીયા સહિતના મોરબી જિલ્લાના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા