મોરબીમાં ઘરે સીડી ઉતરતા સમયે પાણીના ટાંકામાં પડી ગયેલ 7 વર્ષના બાળકનું મોત
મોરબીના આંદરણા ગામે 7.36 લાખના રોકડ-દાગીનાની ચોરીના ગુનામાં એમપીની ગેંગના બે સાગરીત 4.53 લાખના મુદામાલ સાથે પકડાયા: 3 ની શોધખોળ
SHARE
મોરબીના આંદરણા ગામે 7.36 લાખના રોકડ-દાગીનાની ચોરીના ગુનામાં એમપીની ગેંગના બે સાગરીત 4.53 લાખના મુદામાલ સાથે પકડાયા: 3 ની શોધખોળ
મોરબીના આંદરણા ગામે આધેડના ઘરને અજાણ્યા તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને અન્ય વસ્તુ મળીને 7.36 લાખના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી આ ગુનામાં પોલીસે એમપીની ગેંગના બે સાગરીતની 4.53 લાખના મુદમાલ સાથે ધરપકડ કરેલ છે અને બાકીના ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
મોરબીના આંદરણા ગામે રહેતા કમલેશભાઈ મેરામણભાઇ બોરાણાએ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તા. 17/7 ના રાત્રીના 9:00 વાગ્યાથી લઈને તા 18/7ના સવારના 6:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે અજાણ્ય દ્વારા તેઓના બંધ રહેણાંક મકાનમાં દરવાજાના નકુચા તોડીને તાળું બહાર કાઢી નાખ્યું હતું અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને ઘડિયાળ વગેરે મળીને 7,36,900 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરેલ છે જેથી પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી દરમ્યાન મોરબી એલસીબીની ટીમને હક્કિત મળી હતી કે, વાંકડા રોડ ઉપર નવા બનતા કારખાનાઓની સામે ઈંટોના ગડદા બનાવવાનું કામ કરતાં પરપ્રાંતીય શખ્સો આમાં સંડોવાયેલા છે જેથી કરીને શંકાસ્પદ બે શખ્સને પકડીને પૂછપરછ કરવામાં આવી હતી તે બંને ઉપરાંત બીજા 3 શખ્સોએ મળીને ઘરમાં ચોરી કરી હોવાની કબુલાત આપી હતી
જેથી એલસીબીની ટીમ દ્વારા આ ગુનામાં આરોપી સમરસિંગ ઉર્ફે સમીર કાલુસિંહ દેવકા (33) તથા સુરેશ ઉર્ફે સુરો ભુરસિંગ દેવકા (26) રહે. ગુડા ગામ તાલુકો કુકસી એમપી હાલ રહે. વાકડા ગામની સિમ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી અંતરસિંગ સદનસિંગ મકવાણા, રમેશ કાલુસિંહ દેવકા અને દિલીપ માના અનારે રહે. બધા એમપી વાળાના નામ સામે આવ્યા છે જેથી પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી સોનાનું એક મંગલસૂત્ર, સોનાની બુટ્ટીની શેર બે નંગ, સોનાનો માતાજીના ફોટા વાળું પેન્ડલ, સોનાની પટ્ટી વાળો ચેન, સોનાનું એક્કા ની ડિઝાઇન વાળું પેન્ડલ, સોનાનો ચેન, સોનાની બે બુટ્ટી, સોનાની વીંટી અને ચાંદીના કડા તથા ત્રણ મોબાઈલ ફોન આમ કુલ મળીને 4,53,900 રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે
હાલમાં પકડાયેલા આરોપીઓ તથા મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે અને બાકીના ત્રણ આરોપીઓને પકડવા માટે તપાસ ચાલી રહી છે. વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે પકડાયેલા બંને આરોપીઓ છેલ્લા ઘણા સમયથી મોરબી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ઈંટોના ગડદા બનાવવાની મજૂરી કામ કરતા હતા અને અહીંના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓથી તે વાકેફ હોય ચોરીની ઘટનાને અંજામ આપવા માટે તેઓના વતનમાંથી બીજા માણસોને બોલાવ્યા હતા અને દિવસના સમયે ગામડાના રસ્તે ચાલીને રેકી કરી લીધી હતી અને ત્યાર બાદ બંધ મકાનને નિશાન બનાવીને તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી આ ડિટેકશનની કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એસ.પી.જાડેજાની સુચના મુજબ પીએસઆઇ બી.ડી.ભટ્ટ અને વી.જી. માલાણી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી