મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું
SHARE
મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું
ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે મોરબીવાસીઓને વરસાદી પાણીના ભરાવાની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે મોરબી મહાનગરપાલિકાની નવી અને યુવા ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. અને યુવા મેયર ઉત્તમભાઇ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઇ રાણપરા અને દંડક જયેશભાઇ દેસાઇએ કોઈપણ પૂર્વ સૂચના વિના સીધા ગ્રાઉન્ડ લેવલ પર ઉતરીને કુબેર નવલખી ફાટક પાસે ચાલી રહેલી પ્રી-મોન્સૂન કામગીરીની સરપ્રાઈઝ વિઝિટ લીધી હતી. અને પદાધિકારીઓની આ આકસ્મિક મુલાકાતથી તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોમાં દોડધામ મચી ગઈ હતી. મુલાકાત દરમિયાન મેયર અને તેમની ટીમે સમગ્ર વિસ્તારનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને આ કામગીરીની ગુણવત્તા અંગે સ્થળ પર જ જરૂરી આદેશો આપ્યા હતા.
ચોમાસા દરમિયાન કુબેર નવલખી ફાટક અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની (વોટરલોગિંગની) ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. આ વર્ષે નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે વોંકળાની ઊંડાઈ અને સફાઈ બરાબર થઈ છે કે નહીં તેની પદાધિકારીઓએ જાતે ચકાસણી કરી હતી. તેમજ વોટરલોગિંગની સમસ્યાનો કાયમી નિકાલ કરવા આદેશ કર્યો છે વધુમાં મેયર ઉત્તમભાઇ સુરાણીએ નોંધ્યું હતું કે વોંકળામાંથી કાઢવામાં આવેલો કચરો અને માટી બહાર જ રાખવામાં આવ્યા છે. તેમણે કડક શબ્દોમાં સૂચના આપી હતી કે આ કચરો ત્યાં જ પડી રહેવાને બદલે તરત જ ડમ્પિંગ સાઇટ પર ખસેડવામાં આવે, જેથી વરસાદ આવતા જ આ કચરો ફરી પાછો પાણીમાં વહી ન જાય અને મહેનત પાણીમાં ન ફરે, વરસાદ ગમે ત્યારે દસ્તક દઈ શકે તેમ હોઈ, પદાધિકારીઓએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ અને કડક તાકીદ કરી છે કે ચોમાસું વિધિવત શરૂ થાય તે પહેલાં જ સફાઈની તમામ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી લેવામાં આવે અને કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. અંતમાં મેયર ઉત્તમભાઇ સુરાણીe કહ્યું હતું કે, "મોરબીના નાગરિકોની સુવિધાએ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર ન રહેતા ગ્રાઉન્ડ લેવલ પર મજબૂત રીતે થાય તે માટે અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. શહેરીજનોને ચોમાસામાં કોઈ તકલીફ ન પડે તે માટે મોરબી મહાનગરપાલિકાનું તંત્ર રાત-દિવસ જોયા વગર કામ કરી રહ્યું છે.