મોરબીના જેતપર ગામે 23 જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે બેઠક કર્યા બાદ નક્કી કરાશે વીજ પોલ વળતર માટે આંદોલન પાર્ટ 3 ની રણનીતિ
SHARE
મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલનમાં તમામ ઉપવાસીઓના પારણા કર્યા છે જો કે, સરકાર દ્વારા વીજપોલના વળતર માટે નવી પરિપત્ર જાહેર કરાયો છે તેની સામે અસંતોષ વ્યક્ત કરીને આગામી દિવસોમાં આંદોલન પાર્ટ 3 શરૂ કરવામાં આવશે તેવું એલાન કર્યું છે અને આંદોલન પાર્ટ 3 શરૂ કરતાં પહેલાં જુદા જુદા જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે મીટીંગ કરીને આંદોલનની રણનીતિ નક્કી કરવામાં આવશે પછી સરકાર અને ખાનગી વીજ કંપની સામે લડત શરૂ કરશે તેવું આગેવાનોએ જણાવ્યું છે.
મોરબીના જેતપર ગામે છેલ્લા 19 દિવસથી ખેડૂતો દ્વારા ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વીજ વાયર સામે પૂરતું વળતર મેળવવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને તેમાં ઉપવાસીઓની તબિયત લથડી રહી હતી આટલું જ નહીં તેઓને શારીરિક નુકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જેથી કરીને આજે બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત તેમજ જુદાજુદા ગામના ખેડૂતો સહિતના સમાજની દીકરીઓના હસ્તે ઉપવાસીઓના પારણા કરાવવામાં આવ્યા હતા અને આંદોલન પાર્ટ 2 પૂરું કરીને ખેડૂતો દ્વારા ઉપવાસી છાવણી ખાતેથી જ આંદોલન પાર્ટ 3 શરૂ કરવા માટેનું એલાન કરવામાં આવ્યું હતું.
આ તકે સરકાર દ્વારા જે વીજ પોલના વળતર માટે નવી નીતિનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેનાથી કઈ રીતે અને કેટલું નુકસાન થવાનું છે તેની આંકડાકીય માહિતી ઉપવાસી નેહુલભાઈ અમૃતિયા દ્વારા આપવામાં આવી હતી અને તેઓએ ટૂંકમાં એટલું જ જણાવ્યું હતું કે દરેક ખેડૂતને કરોડો રૂપિયામાં નુકસાન થવાનું છે તેની સામે સરકારના પરિપત્ર મુજબ માત્ર વીજ કંપની લાખો રૂપિયાનું વળતર આપવાની છે અને તેમાં પણ ક્યાંકને ક્યાંક ખેડૂતો સાથે અન્યાય થાય તેવું નવા પરિપત્ર ઉપરથી દેખાઈ રહ્યું છે જેથી પૂરતું વળતર મેળવવા માટે આંદોલન પાર્ટ 3 શરૂ કરવામાં આવશે અને હાલમાં માત્ર જેતપર ગામના ખેડૂતો દ્વારા સરકારના આ પરિપત્રનો અસ્વીકાર કરવામાં આવે છે.
આગામી તા. 8 અને 9 ના રોજ ગુજરાતના 23 જિલ્લાના ખેડૂતોને જેતપર ગામ ખાતે બોલાવવામાં આવેલ છે અને તેઓની સાથે નવા પરિપત્ર મુદ્દે ચર્ચા વિચારણા કરીને આ પરિપત્રમાં કઈ રીતના ફેરફારો કરવાથી ખેડૂતોને વધુમાં વધુ ફાયદો થાય તેના માટેની લડત શરૂ કરવા માટેની ચર્ચાઓ થશે અને ત્યારબાદ ગુજરાત આંદોલન કમિટી બનશે જેમાં ગુજરાતના ખેડૂતોનું હિત જેના હૈયે હોય અને નિષ્પક્ષ તેમજ પ્રમાણિક હોય તેવા આગેવાનોનો સમાવેશ કરીને સરકાર અને ખાનગી વીજ કંપની સામે આંદોલનના મંડાણ કરાશે.