મોરબીમાં સાઢુની ખબર કાઢીને રીક્ષામાં પરત વાવડી જતા દંપતીના રીક્ષાને કાર ચાલકે હડફેટ લેતા વૃદ્ધાનું મોત, વૃદ્ધ સારવારમાં
SHARE
મોરબીમાં સાઢુની ખબર કાઢીને રીક્ષામાં પરત વાવડી જતા દંપતીના રીક્ષાને કાર ચાલકે હડફેટ લેતા વૃદ્ધાનું મોત, વૃદ્ધ સારવારમાં
મોરબીની વાવડી ચોકડીએ ગત મોડી રાત્રીના ૧૧ વાગ્યા આસપાસ અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં રીક્ષાને બેફામ ડ્રાઇવિંગ કરતા કારના ચાલકે હડફેટ લીધી હતી.જે અકસ્માત બનાવમાં રીક્ષામાં સવાર વૃદ્ધાનું મોત નિપજયુ હતું.જ્યારે તેમના પતિ ગંભીરપણે ઘવાયેલા હોય તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.હાલ પોલીસને બનાવની જાણ થતા પોલીસ દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી ગામે રામપાર્ક વિસ્તારમાં રહેતા દિલીપભાઈ પોપટભાઈ સોઢા (ઉમર ૬૬) તથા તેમના પત્ની ભાનુબેન દિલીપભાઈ સોઢા (૬૦) નામનું રાવળદેવ દંપત્તિ રિક્ષામાં વાવડી ગામેથી મોરબી ખાતે આવ્યા હતા.અને મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે તેમના સાઢુને એડમિટ કર્યા હોય તેમની ખબર કાઢવા માટે ગયા હતા.સગાની ખબર કાઢયા બાદ ત્યાંથી તેઓ રીક્ષામાં પરત વાવડી જવા રવાના થયા હતા.ત્યારે તા.૧૦-૬ ના રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં મોરબીથી વાવડી બાજુ જતા સમયે વાવડી ચોકડી પાસે તેઓની રીક્ષાને બેફામપણે ડ્રાઇવિંગ કરતા કારના ચાલકે હડફેટ લીધી હતી.જે અકસ્માત બનાવમાં રિક્ષામાં સવાર ભાનુબેન દિલીપભાઈ સોઢા (૬૦) નામના વૃદ્ધાને ગંભીર ઇજાઓ થતા ભાનુબેનનું મોત થયેલ હોય તેમના ડેડબોડીને સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.જ્યારે મૃતકના પતિ દિલીપભાઈ પોપટભાઈ સોઢા (ઉમર ૬૬) રહે.રામપાર્ક વાવડી ગામ તા.જી.મોરબીને ગંભીર ઇજાઓ થયેલી હોય તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે હોસ્પિટલ તરફથી પોલીસમાં જાણ કરવામાં આવતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના એસ.કે. બાલાસરા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.તેમ પોલાસસુત્રો પાસેેથી જાણવા મળેલ છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના રવાપર રોડ ઉપર ડાયમંડ બ્યુટી પાર્લર વાળી શેરી ખાતે રહેતા શારદાબેન મનોજભાઈ અદગામા નામની ૩૫ વર્ષીય મહિલાને તેના ઘરે રાત્રિના સમયે કોઈ વ્યક્તિ દ્વારા પાઇપ વડે માર મારવામાં આવતા ઈજા પામેલા શારદાબેનને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે રવાપર રોડ ડાયમંડ બેકરી નજીક જ રહેતા સચિનભાઈ ભરતભાઈ અદગામા નામના ૨૮ વર્ષના યુવાનને પણ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હોય તેને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતે બંનેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના આર.આર.મિયાત્રા દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.
યુવાન સારવારમાં
મોરબીના કુબેરનાથ રોડ ખાટકીવાસ વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઈકબાલ કાસમભાઇ ચૌહાણ નામના ૪૨ વર્ષના યુવાનને ઇજાઓ થઈ હોય અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ભડીયાદ કાંટા પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલા પ્રકાશભાઇ માનસિંગભાઈ વસુનીયા (૪૦) રહે.ત્રાજપર નામના યુવાનને પણ ઇજા થઈ હોય તેને અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અને મોરબીના પંચાસર ખાતે રહેતા ઇન્દુબેન નરેન્દ્રભાઈ કુંઢીયા નામની ૩૫ વર્ષીય મહિલા કોઈ કારણોસર ફીનાઇલ પી ગયા હતા.જેથી તેઓને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે