મોરબીની રવિરાજ ચોકડી પાસે કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતાં બે શખ્સો 958 ગ્રામ ગાંજા સાથે ઝડપાયા
મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી
SHARE
મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી
દેશભરમાં 'સેવા સંકલ્પ અભિયાન'ની પૂર્ણાહુતિ નિમિતે જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શનાળા ગામે આવેલ પટેલ સમાજવાડી ખાતે યોજાયો હતો અને 'વિકસિત ભારત સંકલ્પ સભા' અને 'સેવા જ્યોતિ યાત્રા'નું મોરબી જિલ્લા પ્રભારી તથા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો આવે અન એ બેસી શકે તેના માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી જો કે, જનમેદની એકત્રિત કરવાની જવાબદારી જિલ્લા, શહેર અને તાલુકા ભાજપ સંગઠનની હતી અને ધાર્યા પ્રમાણે અને ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગે તેમ જોવા મળી હતી
મોરબીના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે 'વિકસિત ભારત સંકલ્પ સભા' અને 'સેવા જ્યોતિ યાત્રા'નું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા ઉપરાંત સાંસદ કેશરિદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને દુર્લભજીભાઈ દેથરિયા, મેયર ઉતમભાઈ સુરાણી, ગજેન્દ્રભાઈ સક્સેના, માજી મંત્રી જયંતિભાઈ પટેલ, જયુભાઈ જાડેજા, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, શહેર ભાજપ પ્રમુખ નૈમિશભાઈ પંડિત સહિતના અનેક હોદેદારો, આગેવાનો, અધિકારીઓ, જિલ્લાના રહેવાસીઓ અને વિદ્યાર્થીઓ હજાર રહ્યા હતા
આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાઈવ સંબોધનને સહુ કોઈએ નિહાળ્યું હતું. અને વડાપ્રધાનના સંદેશ બાદ મંત્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા હાજર રહેલા તમામ લોકોને દેશ અને સમાજના સર્વાંગી વિકાસ માટે 'સંકલ્પ પ્રતિજ્ઞા' લેવામાં આવી હતી. આ પ્રસંગે રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મંત્રી તથા ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા જ્વલંત મશાલ સાથે 'સેવા જ્યોતિ યાત્રા'ને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. અને દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક માહોલ અને ગુંજતા સૂત્રોચ્ચારો સાથે યાત્રા ભક્તિનગર સર્કલ સુધી પહોંચી હતી. આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે કલેક્ટર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ કમિશનર સંગીતા રૈયાણી, ડીડીઓ વિદ્યાસાગર, એસપી મુકેશ પટેલ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં આવનાર તમામ લોકો ત્યાં બેસી શકે તેના માટેની વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી પરંતુ લોકોને ત્યાં સુધી લાવવાની જવાબદારી જિલ્લા, શહેર અને તાલુકા ભાજપ સંગઠનની હતી સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના દરેક વોર્ડમાંથી એક એક હજાર આમ કુલ મળીને મોરબીમાંથી 13,000 લોકો, વાંકાનેર,હળવદ અને માળિયા તાલુકા અને શહેરમાંથી કુલ 1,500 માણસો, મોરબી તાલુકામાંથી 700 માણસો અને ટંકારા પડધરીમાંથી 1,000 માણસો આમ કુલ મળીને 16,000 કરતાં વધુ લોકો આ કાર્યક્રમમાં આવે અને ત્યાં બેસીને કાર્યક્રમ માણી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી પરંતુ ક્યાંકને ક્યાંક સંગઠનના જવાબદાર લોકોએ જનમેદની એકત્રિત કરવામાં કાચું કાપ્યું હોવાથી મોટાભાગની ખુરશીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચ ચાલુ હતી ત્યારે જ ખાલી જોવા મળતી હતી જેથી આ કાર્યક્ર્મમાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગે તે પ્રકારની હતી તેવું ભાજપના આગેવાનોમાં ચર્ચાઇ રહ્યું હતું