વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી
SHARE
વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી
વાંકાનેરના વીસીપરા વિસ્તારની અંદર બંધ મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરની અંદર પ્રવેશ કરીને ત્યાંથી દોઢ લાખ રૂપિયા રોકડા તથા સોનાની હાંસડી, સોનાની બુટ્ટી, સોનાની શેર તથા ચાંદીનો કંદોરો આમ કુલ મળીને 3.55 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ છે જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં આવેલ રામેશ્વર સોસાયટી મેઇન શેરીમાં રહેતા સંજયભાઈ ઉકાભાઇ ચારોલીયા (34)એ અજાણ્યા શખ્સ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 11/11 ના રોજ સવારે 11 વાગ્યાથી લઈને બીજા દિવસે રાતના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેઓનું મકાન બંધ હતું ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના મકાનને નિશાન બનાવ્યું હતું અને દરવાજાનું તાળું તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ઘરમાં રાખેલા દોઢ લાખ રૂપિયા રોકડા તથા સોનાની બે તોલાની હાંસડી, સોનાની પાંદડી વાળી એક તોલાની બુટ્ટી, કાનમાં પહેરવાની સોનાની પોણા તોલાની શેર તથા ચાંદીનો અઢીસો ગ્રામ કંદોરો આમ કુલ મળીને 3,55,500 ના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે