રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ
SHARE
રાજ્યના શ્રમમંત્રીનાં અથાક પ્રયાસોથી 10 લાખ વૃક્ષો વાવી મોરબીને હરિયાળું બનાવ્યુ
વર્ષ 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 75માં જન્મ દિવસે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં સૌથી મોટા વન કવચ ‘નમો વન’નું મચ્છુ ડેમ-2 નાં કાંઠે 1200 વીઘા જમીનમાં લોકાર્પણ કર્યુ હતું અને રાજ્ય મંત્રી તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના પ્રયાસોથી આ નમો વનમાં 10 દસ લાખ વૃક્ષોનું વાવેતર કરીને તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે.
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી વખત આ નમો વનની મુલાકાત લીધી હતી અને લોકો આ વનનો આનંદ લઇ શકે તે માટે 3 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવી હતી. અને ‘વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ,’’ ઉમાશંકર જોશીની આ કાવ્યપંક્તિને ચરિતાર્થ કરવાનું કામ રાજ્યનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગારનાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ મોરબીમાં કર્યું છે.
મોરબીનાં પાદરમાં આવેલા મચ્છુ (2) ડેમનાં કાંઠે શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટની 1200 વીઘા જમીનમાં વર્ષ 2025માં દસ લાખ વૃક્ષો વાવીને ઉછેરવામાં કાંતિલાલ અમૃતિયાએ પરસેવો રેડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 75માં જન્મદિવસે આ વન કવચ (નમો વન)નું રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે લોકાર્પણ થયુ હતું. આઠ મહિના પહેલા જે વિસ્તાર વેરાન વગડો હતો ત્યાં અત્યારે વનરાજી ખીલી ઉઠી છે.
“કાનાભાઈ”નાં હુલામણા નામથી જાણીતા કાંતિલાલ અમૃતિયા સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટનાં એક ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ પાસે 4500 વીઘા જમીન છે. પર્યાવરણને બચાવવા આપણે કંઇક દાખલારૂપ કરવું જોઇએ એ વિચારથી કાંતિલાલ અમૃતિયાએ ભગીરથ કાર્ય હાથ પર લીધુ અને ગુજરાતનું સૌથી મોટુ ‘વન કવચ’ (નમો વન) બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. મચ્છુ ડેમ (2)ના કાંઠે આવેલી ટ્રસ્ટની 1200 વીધા જમીનમાં દસ લાખ વૃક્ષો વાવવાનું ભગીરથ અભિયાન શરૂ કર્યુ. મચ્છુ કાંઠે આ પહેલા મચ્છુ ડેમનાં કાંઠે આઠ જેટલા ચેકડેમ બનાવી જળસંચયનું કામ તો કર્યુ જ છે.
“જ્યારે અમે એક મહિનામાં દસ લાખ રોપાઓ વાવવાનો નિર્ણય કર્યો ત્યારે વૃક્ષારોપણ માટે મોટુ કારત કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમની મદદથી વિગતવાર આયોજન કર્યું હતું ” અભિયાનનાં પ્રારંભિક તબક્કાની યાદોને તાજી કરતાં કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, “અમારા આ યજ્ઞમાં સદભાવના વૃદ્ધાશ્રમને જોડ્યું. જમીન પડતર હતી એટલે સૌથી પહેલા તેને સમથળ કરી. માટીની ગુણવત્તા સુધારવા બહારથી હજ્જારો ટન સારી માટી અહીં ઠાલવી. મોટી માત્રામાં છાણીયું ખાત્તર નાંખી જમીનને ફળદ્રુપ બનાવી. 1200 વીઘા જમીનની ફરતે રફ ફેન્સિગ કર્યું હતું. આ પછી વૃક્ષારોપણ માટે એક સાથે 500 માણસો જોડ્યા. રોજ અંદાજે 25 થી 30 હજાર વૃક્ષો વાવવાનું ભગીરથ કામ હાથ ધર્યું. માત્ર 37 દિવસનાં અથાક પ્રયત્નનાં અંતે અમે 10 લાખ વૃક્ષો વાવ્યા હતા,’’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઇકોનિક રોડ બનાવવા ત્રણ કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવી
“મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ અમારા કાર્યમાં અંગત રસ લીધો છે. તાજેતરમાં ‘નમો વન’ની મુલાકાત લઈને આ વન કવચ સુધી લોકો આવી શકે તે માટે આઇકોનિક રોડ બનાવવા માટે 3 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવી છે,’’ જેથી કાંતિભાઈએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. અને વધુમાં કહ્યું હતું કે, 64 વર્ષે તેઓએ કેન્સરનું નિદાન થતા સર્જરી કરાવી છે. સામાન્ય માણસ કેન્સરનાં નામથી હારી જાય પણ કાંતિલાલ એમાનાં નથી. પાંચ કિમોથેરાપી પુરી કરી હાલ ઇમ્યુનોથેરાપી લઇ રહેલા કાંતિલાલ અમૃતિયાએ લોકસંપર્ક ઘટાડ્યો નથી. તેમણે કહ્યું કે, આ કેન્સરથી બચાવી, કુદરતે મને બીજુ જીવન આપ્યું છે અને આ બીજુ જીવન પ્રકૃતિને સમર્પિત કરવા માંગુ છું. “કેન્સરની સર્જરી પછી મને એવું લાગે છે કે કુદરતે મને બીજુ જીવન આપ્યું છે. હવે હું પ્રાકૃતિક ખેતી, અને વૃક્ષારોપણ અંગે જાગૃતિ ફેલાવવા માટે જીવન સમર્પિત કરવા માંગું છું. અમે સરકારને પત્ર લખીને મચ્છુ ડેમના કિનારે આવેલી નજીકની સરકારી જમીન ફાળવવાની માંગ કરી છે, જેથી ત્યાં પણ આ પ્રકારનું વિશાળ વૃક્ષારોપણ અભિયાન હાથ ધરી શકાય,”