મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ટુ અને ફોર-વ્હિલર તથા ટ્રાન્સપોર્ટ વાહનોના પસંદગીના નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે
SHARE
મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ટુ અને ફોર-વ્હિલર તથા ટ્રાન્સપોર્ટ વાહનોના પસંદગીના નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે
મોરબી જિલ્લાની મોટરિંગ જનતા માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા પસંદગીના નંબર મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવતા આર.ટી.ઓ. કચેરી, મોરબી દ્વારા વિવિધ જૂની સિરીઝના બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર નંબરો માટે ઓનલાઇન હરાજીનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારશ્રીના વાહન વ્યવહાર વિભાગના પરિપત્ર મુજબ હવે મેન્યુઅલ પ્રક્રિયાના સ્થાને ઝડપી ઓનલાઇન હરાજી અમલમાં મુકાતા વાહન માલિકો ઘરે બેઠા પોતાના મનપસંદ નંબર મેળવી શકશે.
આ હરાજી પ્રક્રિયા હેઠળ ટુ-વ્હિલર માટે GJ36BC, BA, AS, AQ, AN, AM; ફોર-વ્હિલર માટે GJ36BB, AR, AL, AP, AJ તેમજ ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ36V અને GJ36X જેવી સિરીઝના પસંદગીના ગોલ્ડન અને સિલ્વર કેટેગરીના નંબર્સ ઉપલબ્ધ છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન અને અરજી પ્રક્રિયા તા. ૧૨/૦૩/૨૦૨૬ થી તા. ૧૪/૦૩/૨૦૨૬ સુધી ચાલશે જેમાં પાયાની રકમ ભરી ભાગ લઈ શકશે. ત્યારબાદ ઓનલાઇન બિડિંગ પ્રક્રિયા તા. ૧૪/૦૩/૨૦૨૬ થી શરૂ થઈ તા. ૧૬/૦૩/૨૦૨૬ ના રોજ પૂર્ણ થશે. અને ઈચ્છુક અરજદારોએ ભારત સરકારના http://parivahan.gov.in/fancy/ પોર્ટલ પર પબ્લિક યુઝર તરીકે નોંધણી કરાવી CNA (Choice Number Application) ફોર્મ ભરવાનું રહેશે. આ માટે વાહન ખરીદી અથવા વીમાની તારીખ પૈકી જે વહેલું હોય તેના સાત દિવસમાં અને વાહનનો ટેક્સ આર.ટી.ઓ. કચેરીએ ભરપાઈ કર્યા બાદ જ અરજી કરી શકાશે. બિડિંગમાં સફળ થયેલા ઉમેદવારે હરાજી પૂર્ણ થયાના પાંચ દિવસમાં તફાવતની રકમ ઓનલાઇન ભરીને એલોટમેન્ટ પત્રની નકલ આર.ટી.ઓ. કચેરીએ જમા કરાવવાની રહેશે. મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા તમામ વાહન માલિકોને આ પારદર્શક હરાજીનો લાભ લેવા અને નિયત સમયમર્યાદામાં ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ કરવા મોરબી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિયકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.