માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ


SHARE













મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ

ગુજરાત સરકારના મોરબી વન વિભાગ હસ્તકના "રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય" ૧૫.૦૧ વર્ગ કિ.મી. માં ફેલાયેલું છે અને તે મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં આવેલું છે, જે મોરબી શહેરથી ૫૦ કિ.મી. અને વાંકાનેરથી ૧૬ કિ.મી.ના અંતરે આવેલું છે.

રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય વિષે મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષક ડૉ. સુનીલ કુમાર બેરવાલ (ભા.વ.સે.)એ જણાવ્યુ હતું કે, આ અભયારણ્યમાં ૧૦૦થી વધુ જાતના વન્યપ્રાણીઓ જોવા મળે છે અને ૨૦થી વધુ જાતનાં સસ્તન વર્ગના પ્રાણીઓ આ વિસ્તારમાં વસવાટ કરે છે, જેમાં દીપડા, ઝરખ, વરૂ (નાર), ચિંકારા, નીલગાય, જંગલીભૂંડ, શિયાળ, સસલાનો સમાવેશ થાય છે. અજગર, કોબ્રા (નાગ), વાઇપર, ધામણ જેવા સાપ ઉપરાંત ઘો અને કાચીડા મળીને ૧૫ થી વધુ જાતનાં સરિસૃપો અહિ જોવા મળે છે તો ૧૦ થી વધુ જાતના કરોળિયા તથા રંગબેરંગી પતંગિયાં જૈવિક વૈવિધ્યમાં ઉમેરો કરે છે.

આ વિસ્તાર માં ૧૫૦થી વધુ જાતનાં સ્થાનિક તથા યાયાવર પક્ષીઓ જોવા મળે છે જેમાં મોર, ખેરખટ્ટો, બ્રાહ્મણીમેના, બુલબુલ, દરજીડો, કુત્કી, સસેતર, લાવરી, સુગરી, તેતર, ચકકરખોરા વગેરેનો સમાવેશ થાય છે. નાની સિસોટી, બતખ, દુધરાજ, ટીલાવાળી બતક અહીં માળા બનાવે છે. ચોમાસા દરમ્યાન ચાતક તથા નવરંગ (ઇન્ડીયન પીટ્ટા) અહી મહેમાન બને છે. શીકરા, બાજ જેવા શિકારી પક્ષીઓ વૈવિધ્યમાં વધારો કરે છે. શિયાળા દરમ્યાન કુંજ, પેણ, અને વિવિધ જાતની બતખ પણ આવે છે.

આ અભ્યારણ્યમાં એશિયાઈ સિંહોની “જીન-પૂલ વસ્તી” અને ચિત્તલ, સાંભર અને ચિંકારાના “બ્રિડીંગ સેન્ટર”ની મહત્વપૂર્ણ કામગીરી વિશે ડૉ. બેરવાલ જણાવેલ કે, રામપરા અભ્યારણ્યને વર્ષ ૨૦૦૮માં સિંહના “જીન-પૂલ વસ્તી” માટે પસંદ કરવામાં આવ્યુ અને હાલમાં પ્રોજેક્ટ હેઠળ ૧૨ સિંહ માટે ૬ મોટા એન્કલોઝર છે. ચિત્તલની બ્રિડીંગ માટે પણ તેમના એન્કલોઝરમાં છાંયડા અને ખોરાકની સુચારૂ વ્યવસ્થા છે. ઉપચાર માટે દવાખાનું, પશુ ચિકિત્સક, એટેન્ડન્ટ, પશુઓના હેરફેર માટે વાહન સહિતની સુવિધા ઉપલબ્ધ છે. દૈનિક ખોરાક તૈયાર કરવા માટે રૂમ બનાવવામાં આવ્યા છે અને દેખરેખ માટે વોચ ટાવર છે. વન્યપ્રાણીઓને તેમના નૈસર્ગિક રહેઠાણમાં બિનજરૂરી ખલેલ ન પહોંચે તેમજ તેમના કુદરતી અને કૃત્રિમ સંવર્ધન માટે આ અભ્યારણ્ય જાહેર જનતાની અવર-જવર માટે પ્રતિબંધિત છે.

અહિના ધાસિયા વિસ્તારમાં ૪૦૦ જેટલી વનસ્પતિની જાતો જોવા મળે છે. જેમાં ભૂરી શંખાવલિ જેવી લુપ્ત થતી વનસ્પતિ, ગુગળ, ખરખોડી, કેરડા, લોદરી, ખાખરો, વિકળો, સલાય, ખજુરી જેવી આયુર્વેદિક ઔષધિઓ તથા તાડ, રોહિડો, કડાયો, દેશી બાવળ, ગોરડ, સીસમ જેવાં વૃક્ષોનો સમાવેશ થાય છે. રામપરા વન્ય અભ્યારણ્યના ઐતિહાસિક અને ખનિજ તત્વો વિશે વાત કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોનાલી કટોચે જણાવ્યું હતું કે, અગાઉ આ વિસ્તાર રામપરા વીડી (ભોજપરા વીડી) તરીકે ઓળખાતો અને વાંકાનેર રાજવી પરિવારની માલિકીનો હતો, જયાં તેમની શિકારની રમતો ગોઠવાતી હતી.

વન વિભાગ દ્વારા ભૂમિ-ભેજ સંરક્ષણ તથા રહેઠાણ સુધારણાના કામો કરવામાં આવે છે. અહીં પંખીઓને ખોરાક મળી રહે એ માટે ફળો (જાંબુ, કરમદા, રાણ, ચીકુ) તેમજ છાયા આપે તેવા વડલા અને પીપળાના વૃક્ષો લગાવવામાં આવ્યા છે. વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીના પ્રાકૃતિક અને કૃત્રિમ સ્ત્રોતોની વ્યવસ્થા ઉભી કરાઈ છે. અવારનવાર વરસાદની ખેંચ તથા પથ્થરાળ પર્વતીય જમીનને કારણે દુષ્કાળના સમયમાં મોટાં વૃક્ષો સુકાવાનું પ્રમાણ વધી જાય છે. જેથી વન વિભાગે વહી જતા વરસાદી પાણીના સંગ્રહ માટે એક તળાવ ૧૯૯૮ માં બનાવ્યું હતું.

અભયારણ્યના ફરતે ડિસેમ્બર ૨૦૧૭ થી ૩૧.૦૮ વર્ગ કિ.મી.નો વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેથી નજીકના વિસ્તારમાં વન અને વન્યપ્રાણીઓના સંવર્ધન ને ધ્યાને રાખી વિકાસની કામગીરીઓ થાય. જનજાગૃતિની પ્રવૃત્તિ હેઠળ શાળા-કોલેજના વિધાર્થીઓ માટે બે દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિરોનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ૧૭ શિબિરમાં ૮૬૦ વિધાર્થીઓ - શિક્ષકોએ ભાગ લીધો હતો, તેમજ સ્થાનિક ખેડૂતો માટે ખેડૂત શિબિર પણ યોજાઇ હતી.






Latest News