13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત
SHARE
13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં રહેલા મોરબીના સાહિલ માજોઠીએ 2 મહિના બાદ માતા સાથે કરી વ્હોટ્સએપ કોલથી વાત
મોરબીનો રહેવાસી સાહિલ માજોઠી છેલ્લા 13 મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે અને આજે દિલ્હી હાઇકોર્ટના તેઓના વકીલ દીપા જોસેફ યુક્રેન ખાતે તેની પાસે પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેઓએ સાહિલ માજોઠીની મોરબીમાં રહેતા તેઓના માતા સાથે વ્હોટ્સ એપ કોલના માધ્યમથી વાત કરાવી હતી ત્યારે કેટલાક ભાવુ દ્રશ્યો સર્જાયા હતા.
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ માજોઠી નામનો યુવાન વર્ષ 2024 માં અભ્યાસ કરવા માટે મોરબીથી રશિયા ગયો હતો અને ત્યાં અભ્યાસની સાથે તે કુરિયર સર્વિસમાં પાર્ટ ટાઈમ જોબ કરતો હતો દરમિયાન કુરિયરમાં મોકલાયેલ એક પાર્સલમાંથી ડ્રગ્સનો જથ્થો નીકળ્યો હતો જેના વિશે ખરેખર સાહિલ કશું જ જાણતો ન હતો તો પણ તેની સામે રશિયાની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો જેમાં સાહિલને 7 વર્ષથી સજા પડી હોય તે રશિયાની જેલમાં બંધ હતો દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ શરૂ થયું હતું અને યુદ્ધ લડવા માટે થઈને રશિયા દ્વારા જેલના કેદીઓને જુદી જુદી લાલચ આપીને મોકલવામાં આવતા હતા તેવી જ રીતે સાહિલ માજોઠીને પણ રશિયાની છોકરી સાથે લગ્ન કરાવવા, રશિયાની સિટિઝનશીપ આપવા વિગેરેની લાલચો આપવામાં આવી હતી પરંતુ તેણે યુદ્ધમાં જવાની ના પાડી હતી.
તો પણ તેને સાહિલ માજોઠીને હથિયાર સાથે યુક્રેનની બોર્ડર ઉપર લડવા માટે મોકલવામાં આવ્યો હતો. ત્યારે સાહિલે યુક્રેનના સૈનિકો સાથે યુદ્ધ કરવાના બદલે તા. 8/10/2025 ના રોજ યુક્રેનની બોર્ડર ઉપર આર્મી પાસે આત્મસમર્પણ કર્યું હતું અને ત્યારથી તે યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં છે તેને મોરબી પરત લાવવા માટે થઈને મોરબી ખાતે રહેતા તેના માતા હસીનાબેન માજોઠી સહિત તેના પરિવારજનો દ્વારા ધારાસભ્યો, સાંસદ, મંત્રીઓ, મુખ્યમંત્રી, વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિ સુધી રજૂઆતો કરવામાં આવી છે તેની સાથોસાથ યુક્રેનથી સાહિલ સહી સલામત ભારત પાછો આવે તેના માટે થઈને દિલ્હી હાઇકોર્ટમાં પણ મેટર ચાલી રહી છે દરમિયાન દિલ્હી હાઇકોર્ટના તેઓના વકીલ દીપા જોસેફ યુક્રેન ખાતે પહોંચ્યા છે અને જે ડિટેન્શન સેન્ટરમાં સાહિલને રાખવામાં આવ્યો છે ત્યાં જઈને તેની સાથે મુલાકાત કરી હતી
આટલું જ નહીં પરંતુ ત્યાંથી સાહિલની તેના માતા સાથે વ્હોટ્સ એપ કોલના માધ્યમથી વાત કરાવી હતી અને અંદાજે 20 થી 25 મિનિટ સુધી સાહિલ અને તેની માતાએ વાત કરી હતી દરમિયાન સાહિલે તેની માતાને મોરબી ખાતે રહેતા તેના નાની, મામા, મામી સહિતના પરિવારજનોના ખબર અંતર પહોંચ્યા હતા દરમિયાન તેઓના મામા ત્યાં હાજર હોય તેઓએ પણ સાહિલ સાથે વાત કરી હતી ત્યારે ભાવુ દ્રશ્ય સર્જાયા હતા
આ વાતચીત દરમિયાન સાહિલે જણાવ્યું હતું કે હાલમાં તે યુક્રેનના ડિટેન્શન સેન્ટર ખાતે સોફા બનાવવા સહિતની ફર્નિચરની કામગીરી કરતો હોય છે અને યુક્રેનની આર્મી તથા સરકાર તરફથી તેને ખૂબ સારો સહકાર અને સપોર્ટ મળી રહ્યો છે અંતમાં હસીનાબેન માજોઠીએ જણાવ્યું હતું કે તેઓના દીકરાને ભારત પરત લાવવા માટે થઈને તેઓ પ્રયાસ કરે છે તેની સાથોસાથ ભારત સરકાર પણ પ્રયત્ન કરી રહી છે આટલું જ નહીં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પણ યુક્રેનના રાષ્ટ્રપતિને સાહિલ બાબતે પત્ર લખવામાં આવ્યો છે જેથી કરીને વહેલી તકે સાહિલ પાછો ભારત આવી જશે તેવો હસીનાબેન માજોઠીને વિશ્વાસ છે