હળવદના માથક ગામે આકાશી વીજળી પડતા માતા અને 4 વર્ષના બાળકનું મોત
SHARE
મોરબી જિલ્લામાં લાંબા વિરામ બાદ આજે બપોર પછી વરસાદી માહોલ બંધાયો હતો અને આકાશમાં વીજળીના કડાકા ભડાકા થતા હતા જોકે, જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા પડ્યા હતા દરમિયાન હળવદના માથક ગામે આકાશી વીજળી વાડી વિસ્તારમાં પડી હતી જેથી મહિલા અને તેના ચાર વર્ષના માસુમ બાળકનું મોત થયું હતું. જેથી બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મોરબીમાં આજ સવારથી બફારો હતો જોકે, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હોય લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેવામાં બપોરે ચારેક વાગ્યાના અરસામાં વરસાદી માહોલ બંધાયો હતો અને સમગ્ર જિલ્લાની અંદર આકાશમાં કાળા ડીંબાગ વાદળો જોવા મળતા હતા તેમજ આકાશી વીજળી પણ થતી હોય તેવું જોવા મળ્યું હતું ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થયો હતો અને શહેરી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા દરમિયાન હળવદના માથક ગામની વાત કરીએ તો માથક ગામે માધવભાઈ ગોકળભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા રાકેશભાઈ નાયકના પત્ની મનકુબેન નાયક (28) અને તેનો 4 વર્ષનો દીકરો શ્યામ બંને વાડીએ હતા અને મગફળીમાં પિયત કરી રહ્યા હતા તે દરમિયાન આકાશી વીજળી તેઓની ઉપર પડી હતી જેથી મનકુબેન અને તેના દીકરા શ્યામનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી