મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ
SHARE
મોરબીની સિરામિક પ્રોડક્ટની લોકલ-ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ નહિવત: ક્રૂડ-ડોલરની ઊથલ પાથલથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવા એંધાણ
મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં નેચરલ ગેસ આધારે ધમધમતો થયો છે જોકે, સતત વધતા ક્રૂડ ઓઇલના ભાવ, ડોલર સામે નબળો પડતો રૂપિયો અને માર્કેટમાં નહિવત ધરાકી આ ત્રણેય પરિબળના લીધે મોરબીના સિરામિક ઉદ્યોગકારો હાલમાં પોતાના કારખાનાઓ ચાલુ તો પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. કેમ કે, ઊંચા ભાવનો ગેસ લઈને માલ તૈયાર કરે અને માલની ડિમાન્ડ ન હોય તો ગોડાઉન ભરાશે અને જો અચાનક ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે તો ઉદ્યોગકારોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું તેના લીધે મોરબીના સીરામીક ઉદ્યોગમાં વપરાતું ઇંધણ એટલે કે ગેસની કટોકટી ઉભી થઈ હતી અને પ્રોપેન ગેસ મળતો બંધ થતા પ્રોપેન ગેસ આધારિત કારખાનાઓ બંધ થઈ ગયા હતા અને લગભગ બે મહિના જેટલા સમયથી મોરબીના સિરામિક ઉદ્યોગની હાલત ખરાબ થઈ ગઈ છે ત્યારે હવે નેચરલ ગેસ મળતો થયો હોવાથી ધીમે ધીમે કારખાનાઓ શરૂ થઈ રહ્યા છે અને છેલ્લા 15 દિવસમાં લગભગ 575 જેટલા સિરામિકના કારખાના શરૂ થઈ ગયા છે પરંતુ હવે કારખાનેદારો સામે નવા જ પ્રકારની મુશ્કેલીઓ પડકારરૂપે આવીને ઉભી છે તેવું દેખાઈ રહ્યું છે.
મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવડીયાએ જણાવ્યું હતું કે, ગેસની કટોકટીના કારણે સીરામીક ઉદ્યોગકારો દ્વારા 15 માર્ચથી 15 એપ્રિલ એક મહિના કારખાના બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. અને 15 એપ્રિલ પછી ક્રમશઃ કારખાનાઓ શરૂ થવા લાગ્યા છે અને આજની તારીખે 575 જેટલા કારખાના શરૂ થઈ ગયા છે જોકે, આજની તારીખે જીસીસીના દેશોમાં એક્સપોર્ટ બંધ છે અને ખાડી વિસ્તારમાંથી જે વેસલ (જહાજ) જતા હોય છે તેની અવરજવર બંધ છે જેથી એક્સપોર્ટ માર્કેટને બહુ મોટા પ્રમાણમાં અસર થઈ છે અને લોકલ માર્કેટમાં પણ હાલમાં સિરામિક પ્રોડક્ટની ડિમાન્ડ નહીવત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે અને છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ ભાવ આજની તારીખે જોવા મળી રહ્યો છે બીજી બાજુ ડોલરની સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે જેથી ઉદ્યોગકારોને બેવડો માર પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આજની તારીખે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને ટેક્સ સાથે કુલ મળીને 84 રૂપિયા પ્રતિ કયુબિક મીટરના ભાવથી નેચરલ ગેસ મળી રહ્યો છે જો ક્રૂડ ઓઇલના ભાવ ન ઘટે અથવા તો તેમાં વધારો થશે તો આગામી સમયમાં કદાચ પ્રતિ કયુબિક મીટર ગેસના ભાવમાં અંદાજે 10 રૂપિયાનો વધારો થાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. જેથી હાલની પ્રવાહી સ્થિતિમાં ઉદ્યોગકારોએ કારખાના ચલાવવા કેવી રીતે તે સૌથી મોટો સવાલ છે.
શા માટે ટાઇલ્સની ડિમાન્ડ નથી ?
મોરબીમાં બે મહિના પહેલા જ્યારે ગેસની કટોકટી સર્જાવાની શરૂઆત થઈ હતી અને ત્યારે કારખાનાઓ બંધ થવાના છે તે વાતની અલગ અલગ રાજ્યોમાં બેઠેલા સિરામિકના વેપારીઓ સુધી પહોચી હતી જેથી કરીને તેઓએ માલની જરૂરિયાત ન હતી તો પણ માલ મંગાવીને તેઓના ગોડાઉન ભરી લીધા હતા. જેથી આજની તારીખે વેપારીઓ દ્વારા નવ માલ માટેના ઓર્ડર આપવામાં આવતા નથી. અને નવા વેપારીઓ માલની ખરીદી માટે આવતા નથી. જો ઊંચા ભાવનો ગેસ લઈને કારખાનેદારો દ્વારા માલનું ઉત્પાદન કરવામાં આવશે અને માલની માંગ નહીં નીકળે તો કારખાનાના ગોડાઉન ભરાઈ જશે અને ઉદ્યોગકારો ઉપર મોટું આર્થિક સંકટ આવી શકે છે.