અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર
SHARE
અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર
મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા શુક્રવારે કમલમ કાર્યાલય ખાતે સવારથી શરૂ કરવામાં આવી હતી અને સાંજ સુધીમાં 13 વોર્ડમાંથી કુલ મળીને 427 જેટલા આગેવાનો દ્વારા ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી કરવામાં આવી છે અને પ્રદેશમાંથી મુકવામાં આવેલા નિરીક્ષકો સમક્ષ પોતાની સેન્સ આપી છે હવે જિલ્લાની સંકલન સમિતિની બેઠક મળશે અને ત્યારબાદ તેમાં મહાપાલિકાની વોર્ડ વાઇઝ પેનલ બનાવીને પરદેશમાં એક બેઠક દીઠ ત્રણ-ત્રણ દાવેદારોના નામ મોકલવવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશમાંથી ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.
મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવામાં આવી ત્યારબાદ પ્રથમ વખત ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે મોરબી મહાનગરપાલિકામાં શહેરી વિસ્તાર અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે તે વિસ્તારોમાંથી ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે થઈને ભારે ઉત્સાહ અને થનગનાટ સાથે ટિકિટ માટે દાવેદારી કરવામાં આવેલ છે. મોરબી કમલમ ખાતે શુક્રવારે સવારે 10:00 વાગ્યાથી મોરબીના 1 થી 13 વોર્ડ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને પ્રદેશમાંથી મૂકવામાં આવેલ અમદાવાદના ધારાસભ્ય અમિતભાઈ શાહ તેમજ પુષ્પાબેન મિસ્ત્રી અને રુચિરભાઈ ભટ્ટ દ્વારા ક્રમશઃ એક પછી એક વોર્ડના આગેવાનોને બોલાવીને તેઓની સેન્સ લેવામાં આવી હતી.
મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમાં કુલ મળીને 427 જેટલા આગેવાનો દ્વારા ભાજપમાંથી ટિકિટ માટે પોતાની દાવેદારી કરવામાં આવી છે. અને નિરીક્ષકો સમક્ષ સેન્સ પ્રક્રિયામાં જોડાઇને પોતાની સેન્સ આપી છે જો દાવેદારોના વોર્ડ વાઇઝ આંકડા ઉપર નજર કરીએ તો વોર્ડ નં. 1 માં 39, 2 માં 31, 3 માં 35, 4 માં 26, 5 માં 31, 6 માં 35, 7 માં 44, 8 માં 34, 9 માં 49, 10 માં 18, 11 માં 29, 12 માં 30 અને 13 માં 26 આગેવાનો દ્વારા ટિકિટ માટે દાવેદારી કરાઇ છે.
હાલમાં જે લોકો દ્વારા ભાજપમાંથી ટિકિટની માંગણી કરવામાં આવેલ છે તેમાં નગરપાલિકાના માજી સભ્યો, તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના માજી સભ્યો અથવા તો તેમના પતિ તે ઉપરાંત સીરામીક એસો.ના માજી પ્રમુખો, સામાજિક આગેવાનો વગેરે દ્વારા હાલમાં ભાજપ પાસેથી ટિકિટની માંગણી કરવામાં આવી છે જોકે હાલમાં 52 બેઠકો માટે 427 જેટલા આગેવાનો દ્વારા ટિકિટની માંગણી કરાઇ છે જેથી જિલ્લા ભાજપ સંકલનની બેઠક મોડી રાતે બેસવાની છે જેમાં જિલ્લા ભાજપના પ્રભારી, જિલ્લા પ્રમુખ, જિલ્લાના ત્રણ મહામંત્રી, જિલ્લામાં આવતા સાંસદો તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા ધારાસભ્ય હાજર રહેશે અને તેઓની હાજરીમાં એક એક બેઠક માટે ત્રણ-ત્રણ દાવેદારોના નામ નક્કી કરીને પેનલ બનાવવામાં આવશે અને તે પેનલ પ્રદેશમાં મોકલાવવામાં આવશે ત્યારબાદ ઉમેદવારોના ફાઇનલ નામ પ્રદેશમાંથી જાહેર કરવામાં આવશે.