મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા
મોરબીની ન્યુ આલાપ, ખોડીયાર પાર્ક અને પટેલ સોસાયટીના ખખડધજ રોડ રસ્તાથી લોકો ત્રાહિમામ, ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી
SHARE
મોરબીની ન્યુ આલાપ, ખોડીયાર પાર્ક અને પટેલ સોસાયટીના ખખડધજ રોડ રસ્તાથી લોકો ત્રાહિમામ, ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી
મોરબી શહેરના લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે કરોડ રૂપિયાની સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે તેમ છતાં પણ રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે મોરબીના વોર્ડ નંબર 12 માં આવતા ન્યૂ આલાપ પાર્ક, ખોડીયાર પાર્ક અને પટેલ નગરમાં છેલ્લા ચાર વર્ષથી રોડ રસ્તા બનાવવામાં આવ્યા ન હોય લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં 12 માં આવતા ન્યૂ આલાપ પાર્ક, ખોડીયાર પાર્ક અને પટેલ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ રસ્તા બનાવવા માટે થઈને નગરપાલિકા હતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા અગાઉ નગરપાલિકામાં, ધારાસભ્યને અને સરકારમાં રજૂઆતો કરી હતી તેમ છતાં પણ રોડનું કામ કરવામાં આવ્યું નથી અને હવે છેલ્લા બે વર્ષથી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યાર પછી સ્થાનિક લોકો દ્વારા મહાપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં આજની તારીખે પણ ત્યાં રોડના કામ કરવામાં આવ્યા નથી અને અગાઉ ગટરનું કામ કરવા માટે આ ત્રણેય સોસાયટીમાં જે રોડ રસ્તા હતા તેને ખોદી નાખવામાં આવ્યા છે જેથી રસ્તા ઉપર હવે ઠેર ઠેર ખાડા ખબડા હોવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે
સ્થાનિક રહેવાસી સાધનાબેન પટેલ, ચંદ્રિકાબેન પટેલ, અજયભાઈ ઝાલરીયા અને ફુલગરભાઈ ગોસાઈએ જણાવ્યું હતું કે, ગત ચોમાસામાં રોડના ખાડામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા ત્યારે રોડ ઉપરથી વાહન લઈને પસાર થતાં મહિલાઓ, બાળકો, યુવાનો સહિતના અકસ્માતનો ભોગ બનતા હતા અને નાના મોટી ઈજાઓ પણ થતી હતી અને આ બાબતે મહાપાલિકામાં રજૂઆતો કરવામાં આવી ત્યારબાદ મહાપાલિકાએ મેટલ અને પ્રીમિક્સના ઢગલા કર્યા હતા ત્યાર પછી યોગ્ય કામ કર્યું ન હોવાથી વરસાદ રહી ગયો હોય હવે રોડ ઉપર કાંકરા અને ધૂળની ડમરીઓ ઊડી રહી છે. આ પીડામાંથી મુક્તિ ક્યારે મળશે તે પ્રશ્ન ઉભો થયો છે કારણ કે છેલ્લા ચાર વર્ષથી આ વિસ્તારમાં રોડ રસ્તા બનાવ્યા નથી અને મહાનગરપાલિકાની ગત ચૂંટણીમાં રોડ રસ્તા સહિતના તમામ પ્રશ્નો ઉકેલવાની હાલમાં ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા ખાતરી આપવામાં આવી હતી પરંતુ તે મુજબનું કામ કર્યું નથી
આ વિસ્તારના કોર્પોરેટર મેઘાબેન દીપકભાઈ પોપટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબી મહાપાલિકાના તમામ વોર્ડમાં કોર્પોરેટર દીઠ 50 લાખ એટલે કે અમારા વોર્ડ નંબર 12 માં કુલ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ જુદા જુદા વિકાસ કામો કરવા માટે આપવા આવી છે અને તે ગ્રાન્ટમાંથી આ ત્રણેય સોસાયટી વિસ્તારની અંદર રોડ રસ્તા બનાવવા માટેના કામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી આગામી સમયમાં વહેલી તકે સોસાયટીના લોકોને સારા રોડ રસ્તા મળશે. પરંતુ ખરેખર આ વિસ્તારના રોડ રસ્તાનો પ્રશ્ન ક્યારે ઉકેલશે અને લોકોને સારા રોડ રસ્તા ક્યારે મળશે તે તો આગામી સમય જ બતાવશે.