મોરબીમાં કલેકટરે ITI ની લીધી મુલાકાત: તાલીમ પદ્ધતિ-સુવિધાઓનું નિરીક્ષણ કર્યું
SHARE
મોરબીમાં કલેકટરે ITI ની લીધી મુલાકાત: તાલીમ પદ્ધતિ-સુવિધાઓનું નિરીક્ષણ કર્યું
જિલ્લામાં કૌશલ્ય વિકાસ (Skill Development) અને યુવાનો માટેની તાલીમ કામગીરી વધુ સુદ્રઢ, ગુણવત્તાસભર અને પારદર્શી બને તેવા આશયથી તા.16-09-2026 ના રોજ માનનીય જિલ્લા કલેક્ટર, મોરબી દ્વારા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) મોરબીની નિરીક્ષણ મુલાકાત લેવામાં આવી હતી.
આ મુલાકાત દરમ્યાન વર્કશોપ અને પ્રયોગશાળાનું નિરીક્ષણ તેમજ કલેક્ટરએ વિવિધ ટ્રેડ (જેવા કે ઇલેક્ટ્રિશિયન, ફિટર, ઇએમ, કોપા, આઈએમ, એમએમવી,કોસ્મેટોલોજી,વગેરે) ની વર્કશોપ, કમ્પ્યુટર લેબ અને વર્ગખંડોની રૂબરૂ મુલાકાત લઇ તાલીમાર્થીઓ મેળવી રહેલી પ્રાયોગિક (Practical) તાલીમની ગુણવત્તા ચકાસી હતી અને સંસ્થાના કેમ્પસમાં સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા, વર્કશોપ સાધનોની જાળવણી અને વિદ્યાર્થીઓ માટેની સુરક્ષા વ્યવસ્થા અંગે સ્થળ પર સમીક્ષા કરી હતી. તેમજ ITI ના પ્લેસમેન્ટ અને એપ્રેન્ટિસ ની કામગીરી અંગે અધિકારીઓ અને સ્ટાફ સાથે ચર્ચા કરી, સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તાલીમાર્થીઓને વધુમાં વધુ એપ્રેન્ટિસશિપ અને રોજગારીની તકો મળી રહે તે માટે યોગ્ય આયોજન કરવા સૂચના આપી હતી.
આ મુલાકાત દરમ્યાન તાલીમાર્થીઓ માટે આઇટીઆઈ ખાતે નવનિર્માણ થનાર હોસ્ટેલ બિલ્ડીંગના કન્સ્ટ્રક્શન કામનું પણ નિરીક્ષણ કર્યું હતું તેમજ ગુણવતા યુક્ત અને સમયસર કામગીરી પૂર્ણ થાય તે માટે માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન માં રહી કામગીરી કરવા સૂચના આપેલ હતી. અને સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ સાથે કલેકટરે સીધો સંવાદ કર્યો હતો. અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમજ આઈ.ટી.આઈ. (ITI) મોરબી ખાતે હાલ ખાલી રહેલ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોઇ જેમાં જિલ્લાના રોજગાર મેળવવા માગતા યુવાનો પ્રવેશ મેળવે તેવા ઉમદા અભિગમ સાથે કલેક્ટરે બહોળો પ્રચાર પ્રસાર કરવા જણાવ્યુ હતું. આ તકે સંસ્થાના પ્રિન્સિપાલ, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તથા અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીમાં ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા તા.૧૭/૦૯/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝરબાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી, ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી/ એચએસસી/આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવાનુ રહેશે.









